ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે લાખો ખેડૂતો કપાસની વાવણી કરતા હશે. કપાસની ખેતી કરવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો કપાસના પાકને નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે. તેવામાં જિલ્લા ખેડીવાતી અધિકારી દ્વારા કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપાસની ખેતી કરતા સમયે રાખો આ વાતનું ધ્યાન


• અગાઉ પાક પુરો થઇ ગયા બાદ કપાસનાં ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળી અને જીંડવા ભેગા કરી નાશ કરવો.


• શકય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઉંડી ખેડ કરવાથી જમીનમાં રહેલ કોશેટા નાશ પામે છે.


• જીવાત પ્રતિકારક જાતોમાં જીવાતોનો ઉ૫દ્રવ ઓછો લાગતો હોવાથી દવા છાંટકાવ અને અન્ય ખર્ચ બચે છે અને ૫ર્યાવરણને નુકસાન કર્યા વિના વધુ ઉત્પાદન મેળવી શકાય છે.


• કપાસની બીટી જાતોનું વાવેતર કરતા હોય તો સરકારમાન્ય તથા પેક-ટીનમાં બીયારણ ખરીદીને તેમાં દર્શાવેલ માર્ગદર્શિકા મુજબ વાવેતર કરવું.


• અધિકૃત /માન્ય બીટી કપાસની સંકર જાતોનું બિયારણ ખરીદવું.


• ભારત સરકારશ્રી દ્વારા માન્ય થયેલ અને ગુજરાત રાજ્યમાં થયેલ ચકાસણીના પરીણામોનાં આધારે રાજ્યમાં વાવેતર માટે રજીસ્ટર્ડ થયેલ બીટી સંકર જાતોનું વાવેતર કરવું. 


• ભારત સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસનાં બિયારણ (૪૭૫ ગ્રામ)માં જ ૫% નોન બીટી (રેફ્યુજીયા) બિયારણને મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે જેનું વાવેતર કરવાની ભલામણ છે.


• કપાસમાં ગુલાબી ઇયળનાં આક્રમણથી બચવા માટે પ્રથમ સારા વરસાદે વાવેતર કરવું.


• કપાસનું વાવેતર શક્ય તેટલું વહેલા કરવાથી ચૂસીયાં પ્રકારની જીવાતોનું આક્રમણ ઓછું જોવા મળે છે.


• પાકની શરૂઆતની અવસ્થામાં નુકશાન કરતી ચૂસીયા પ્રકારની જીવાતો (મોલો, તડતડીયાં,થ્રીપ્સ અને સફેદ માખી) થી રક્ષણ મેળવવા બિયારણને વાવતા પહેલા એક કીલો બીયારણ દીઠ ૧૫ ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ ડીએસ અથવા ૭.૫ ગ્રામ ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબ્લ્યુએસ અથવા ૫ મિ.લિ. ઇમિડાક્લોપ્રીડ ૭૦ એફએસ અથવા ૨.૮ ગ્રામ થાયોમેથોક્ઝામ ૭૦ ડબ્લ્યુએસ અથવા ૩ ગ્રામ થાયોમેથોક્ઝામ ૩૦ એફએસ પ્રમાણેની માવજત આપી વાવેતર કરવું. સરકારમાન્ય બીટી બીયારણ ને યોગ્ય જંતુનાશક દવાનો પટ આપેલો જ હોય છે.


• વાવણી માટે જમીનની તૈયારી સમયે કીડીઓની વસાહતોનો નાશ કરવા કીડીઓના દર શોધી કાઢી તેમાં ૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લિ. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ભેળવીને બનાવેલા પ્રવાહી મિશ્રણ રેડવું.


• ચીક્ટો ઉપદ્રવિત વિસ્તારમાં વાવણી પહેલા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી કે ક્લોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી હેક્ટરે ૨૦-૨૫ કીલો પ્રમાણે જમીનમાં નાખી ખેડ કરવી અથવા હેક્ટરે ૨ લિટર ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી પિયત વખતે ટીપે ટીપે આપવી.


• ખેત ઓજારો જેવાં કે હળલાકડા, કરબ, ટ્રક્ટર વગેરેને ચીક્ટો ઉપદ્રવીત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને ઉપયોગ કરવો.


• કપાસનાં ખેતરમાં મકાઇની છાંટ નાખવાથી જીવાતના કુદરતી નિયંત્રકોની વૃધ્ધિમાં વધારો થાય છે.


• ખેતરની એક બાજુ ૧ કે ૨ ગૂંઠામાં પરજીવી-પરભક્ષી કીટકો માટેનું અભયારણ્ય( એન્ટોમોફેઝ પાર્ક) બનાવવું.


• લશ્કરી ઈયળની માદા ફૂદી કપાસ કરતા દિવેલાનાં પાન પર ઈંડા મુકવા વધુ ૫સંદ કરતી હોવાથી કપાસના પાક ફરતે દિવેલાની વાવણી કરવી.


• કપાસના ખેતરની ફરતે ગલગોટાની વાવણી કરવાથી લીલી ઈયળનુ ફૂદુ ગલગોટાના ફૂલ તરફ આકર્ષિત થાય છે અને ફૂલ ૫ર પોતાના ઈંડા મૂકે છે. ગલગોટાનાં ફૂલને ઈંડા તથા ઈયળ સહિત તોડી લેવાથી ઈયળથી થતુ નુકસાન કાબુમાં રાખી શકાય છે.


• કપાસની દર દસ હાર ૫છી એક હાર મકાઈ, ગલગોટા, જુવાર, કઠોળ પાકો વાવવાથી કપાસની જીવાતોના ૫રજીવી/પરભક્ષી જેવા કે, દાળીયા અને ક્રાયોસોપાની જાળવણી કરી શકાય છે.


• કપાસની ફરતે શણની એક હાર વાવવાથી કાતરાના નુકશાનને અટકાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube