બોટાદમાં ગૌચરની જમીન બચાવવા માલધારીઓ મેદાને, ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા
બોટાદ જિલ્લાના ગઢડામાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લેતા માલધારીઓ રોષે ભરાયા છે. ગૌચરની જમીન પરત મેળવવા માટે માલધારીઓએ વિરોધ પ્રદર્શન કર્યાં છે. આજે માલધારીઓ ગાયો સાથે તાલુકા પંચાયતમાં ઘૂસ્યા હતા.
રઘુવીર મકવાણા, બોટાદઃ બોટાદના માલધારીઓ ગૌચરની જમીન માટે જંગે ચડ્યાં... ગઢડામાં આવેલા મેઘવડિયા ગામમાં જમીન માફિયાઓએ ગૌચરની જમીન પર છેલ્લા 3 વર્ષથી કબજો કરી લેતાં હવે માલધારીઓ વિફર્યા છે. ત્યારે અનેક રજૂઆત છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા માલધારીઓએ અનોખો વિરોધ કરીને બહેરા તંત્રના કાને પોતાની માગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે. ત્યારે શું છે માલધારીઓની માગ અને કેવો હતો તેમનો અનોખો વિરોધ, જોઈએ આ અહેવાલમાં...
બોટાદના ગઢડામાં આવેલા મેઘવડિયા ગામની અંદાજે 40 હેક્ટર જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લીધો છે. છેલ્લા 3 વર્ષથી કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરૂદ્ધ માલધારીઓએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી ન કરાઈ. ત્યારે અંતે તંત્રની આળસથી કંટાળેલા માલધારીઓ પોતાના માલઢોર સાથે નીકળ્યા અને 8-10 કિલોમીટર પગપાળા ચાલીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યા અને પોતાના માલઢોર કચેરીમાં જ છૂટા મુકી દીધા...
મેઘવડીયા ગામથી અંદાજે 9 કિલોમીટર ગાયો હંકારી 300થી 400 ગાયો સાથે માલધારીઓ ગઢડાની તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા. ત્યાં પહેલા માલધારીઓને કચેરીમાં પ્રવેશવા ન દેતા ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પોલીસ તંત્ર માટે પણ માલધારીઓને કંટ્રોલ કરવા એક પડકાર સમાન બની જતાં થોડીવાર માટે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. તેમ છતાં ગૌચરની જમીન બચાવવા નીકળેલા માલધારીઓ માન્યા જ નહીં અને જબરદસ્તી કચેરીનો ગેટ ખોલીને કચેરીના પ્રાંગણમાં જ અડિંગો જમાવીને બેસી ગયા..
આ પણ વાંચોઃ મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગઢડા તાલુકા પંચાયતમાં ગાયો સાથે પહોંચેલા માલધારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો... જે બાદ તાલુકા વિકાસ અધિકારીએ માલધારીઓને બોલાવ્યા અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારે માલધારીઓની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારીએ દસ જ દિવસમાં આ મામલે સુખદ નિરાકરણ લાવવાની બાહેધરી આપી છે.
ગૌચરની જમીન માટે જંગે ચડેલા માલધારીઓને તંત્ર દ્વારા બાહેધરી આપીને પરત મોકલી દેવાયા છે. ત્યારે માલધારીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે કે જો 10 દિવસમાં ગૌચરની જમીન ખાલી નહી કરવામાં આવે તો હવે ગઢડા તાલુકાના 76 ગામના માલધારી અને તેમના માલઢોર સાથે ફરી કચેરીનો ઘેરાવ કરીને ગૌચરની જમીન માટે આખરી જંગ લડીશું.