બનાસકાંઠાઃ સરહદી જિલ્લા બનાસકાંઠામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોની આ માઠી દશા માટે બીજુ કોઈ નહીં પણ નઘરોળ તંત્ર જવાબદાર છે. અવાર નવાર નર્મદા કેનાલમાં પડતાં ગાબડાથી અન્નદાતા બરબાદ થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં જ કેનાલમાં ત્રણ ગાબડા પડતાં મહામુલો પાક બરબાદ થયો છે. ત્યારે જુઓ તંત્રના પાપે પાયમાલ થઈ રહેલા અન્નદાતાનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં અન્નદાતાની કેવી માઠી દશા બેઠી છે તે અહીં જોઈ શકાય છે. છેલ્લા 10 દિવસમાં જ પડેલા આ ત્રણ ગાબડાથી ધરતીપુત્રોના મહામુલો પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. અન્નદાતાને કુદરતનો માર પડે તેતો સમજી શકાય છે. પરંતુ હવે તો તંત્ર પણ માર મારી રહ્યું છે. ત્રણેય દ્રશ્યો માટે જવાબદાર કોઈ હોય તો તે નઘરોળ તંત્ર છે. કારણ કે ભ્રષ્ટ અધિકારીઓને કારણે જ કેનાલમાં ગાબડા પડ્યા અને કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ધરતીપુત્રોને રોવાનો વારો આવ્યો છે. 


સરકારે મધ્ય ગુજરાતમાં વહેતી મા નર્મદાનું પાણી સુકા પ્રદેશ બનાસકાંઠા અને છેક કચ્છ સુધી પહોંચાડ્યું છે. સિંચાઈ અને પીવા માટે ઉપયોગમાં લેવાતું આ પાણી ભ્રષ્ટ અધિકારીઓને કારણે આફત બની રહ્યું છે. ખાસ બનાસકાંઠા જિલ્લામાં જે કેનાલ નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર ગાબડા પડે છે. ફેબ્રુઆરી માસમાં જ ત્રણ ગાબડા સામે આવ્યા. પરંતુ જો છેલ્લા 5થી 6 મહિનાના ગાબડા અમે આપને બતાવીશું તો આંકડો ક્યાંય પહોંચી જશે. થરાદની ભોરોલ માઈનોર-2 કેનાલ ઓવરફ્લો થતાં જીરુ અને રાયડાના વાવેતરમાં પાણી ફરી વળ્યું. આ પાણી ખેડૂતો માટે આફત બનીને આવ્યું હોય તેમ પાકને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. 


આ પણ વાંચોઃ શિક્ષણ જગતમાં પહેલી વખત યોજાયો કાર્યક્રમ, અનોખા રમતોત્સવમાં 153 બાળકોએ લીધો ભાગ


ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા તેનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરમાં ફરી વળ્યું. આ પહેલા પણ અનેક વખત કેનાલમાં સફાઈ વગર પાણી છોડાતા તેના ખરાબ પરિણામ સામે આવ્યા છે. પરંતુ તંત્ર કોઈ બોધપાઠ લેવા માટે જ તૈયાર નથી. તંત્ર સફાઈના મોટા મોટા દાવા કરે છે અને તે માટે લાખોનો ખર્ચ કરે છે. પરંતુ સફાઈના નામે લાખો રૂપિયા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં થાય છે. સફાઈ માત્ર ફાઈલોમાં જ થતી હોય તેમ લાગી રહ્યું છે. 


તો આ પહેલા 9 ફેબ્રુઆરીએ ભાભર તાલુકાના સનેસડા ગામમાંથી પસાર થતી કેનાલ પણ ઓવરફ્લો થતાં ગાબડું પડ્યું હતું. જેના કારણે એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકને નુકસાન થયું હતું. ત્યારે પણ કેનાલમાં સફાઈનો પ્રશ્ન સામે આવ્યો હતો. તો તેના એક દિવસ પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીએ વાવની મિઠાવીચારણ માઈનોર-2 કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે જીરાના પાકને નુકસાન પહોંચ્યું હતું. આમ સતત પડી રહેલા ગાબડાને કારણે અન્નદાતાઓ પાયમાલ થઈ રહ્યા છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં જ મસ્ત છે.