અમદાવાદઃ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ગુજરાતના ખેડૂતોએ પણ ટેકો આપ્યો છે. દેશભરમાં 1 થી 10 જૂન સુધી ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું. ત્યારે ગુજરાતના ખેડૂતોએ પણ શાકભાજી-દૂધ રોડ પર ફેંકીનો પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના આ આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો. ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ખેડૂતો સાથે રસ્તા પર આવી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રવિવાર (10 જૂન)એ ખેડૂતોએ રસ્તાઓ પર શાકભાજી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમરેલીના વડિયા ખાતે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને રસ્તો ચક્કાજામ કર્યો હતો. તો ઘટના સ્થળે પોલીસનો કાફલો આવ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. 


આણંદના આંકલાવના આસોદર ખાતે કોંગ્રેસે ધરણાં કરીને સરકાર વિરોધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય પણ જોડાયા હતા. મહેસાણામાં 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રસ્તા પર ટાયરો સળગાવીને વાહનવ્યવહાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પોલીસે 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. તો પોલીસે વિરોધને રોકવા માટે અને ટ્રાફિક હળવો કરવા માટે પોલીસે પાણીનો મારો ચલાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.


સાંબરકાંઠાના હિંમતનગર નેશનલ હાઈ-વે પર કોંગ્રેસે ખેડૂતો સાથે ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ શાકભાજી અને દૂધ ફેંકીને તેનો વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટનામાં પોલીસે કોંગ્રેસના 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


ગુજરાતના પાટનગર ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પાસે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ સાથે જ શાકભાજીની રેલમછેલ કરી હતી. વિરોધના પગલે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. તો જામનગરમાં પણ ઢેબા ચોકડી પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટાયર સળગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પોલીસે ધારાસભ્ય વલ્લભભાઈ સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


સુરતમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.  કડોદકા ખાતે નેશનલ હાઈવે નંબર 8 પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. આ સાથે જ ખેડૂતોની સમસ્યાને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં પોલીસે કેટલાક કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


દેશભરમાં ચાલી રહેલા ખેડૂતોના ભારે આક્રોશ વચ્ચે આજે 10 દિવસના આંદોલનની ભારત બંધ એલાન સાથે પૂર્ણાહૂતિ  છે અને વિવિધ સંગઠનો દ્વારા આ આંદોલનને સમર્થન અપાયું હતું.