ભાવનગરઃ ગામલોકોની મહેનત રંગ લાવી, સરકારની મદદ વગર 40 દિવસમાં બંધારો તૈયાર
ભાવનગરના મેથળા ગામે ભલે સરકારે કોઈ મદદ ન કરી પરંતુ ગ્રામલોકોની મહેનત લાવી છે રંગ. જે કામ માટે સરકારે કરોડોના ખર્ચ કરી બનાવવાની વાત કરી હતી તેને ખેડૂતોએ માત્ર 40 લાખમાં કરી બતાવ્યું છે.
ભાવનગરઃ અથાક પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી આ પંક્તિ સાર્થક કરી બતાવી છે ભાવનગરના મેથળા ગામના ખેડૂતોએ. બગડ નદી પર મેથળા બંધારો બાંધવાનું જે ભગીરથ કાર્ય ખેડૂતોએ શરૂ કર્યુ હતું તે આખરે પૂર્ણ થયું છે. આ કાર્ય દ્વારા ખેડૂતોએ રાજ્યના અને દેશના લોકોને એક મિસાલ આપી છેકે તેઓ કોઈના સહારે નથી.
ખેડૂતોએ 6 એપ્રિલે બંધારાનું કામકાજ શરૂ કર્યુ હતું અને માત્ર દોઢ મહિનામાં 10 હજાર લોકોએ શ્રમદાન કરી 1 કિલોમીટર લાંબા મેથાળા બંધારાનું માટીકામ પૂર્ણ કર્યુ. સતત 40 દિવસ સુધી દરરોજ 4 જેસીબી અને 10 ટ્રેક્ટર દ્વારા માટી ઠાલવવાનું કામ થયું. સરકાર જે કામના કાગળ પર 80 કરોડ રૂપિયાના ખર્ચની વાત કરતી હતી. તેને ખેડૂતોએ માત્ર 40 લાખના ખર્ચે કરી બતાવ્યું. આ કામના કારણે સીધા 11 ગામોને ફાયદો થશે. મેથાળા બંધારો એક મોટા ડેમ જેવું કામ કરશે જેનાથી 655 MCFC પાણીનો સંગ્રહ થશે. આ વિસ્તારમાં 1575 હેક્ટર જમીનમાં પાણી ભરાશે જે મીઠું હશે.
બંધારો તૈયાર થતાં ખારું પાણી અલગ રહેવાથી ખેડૂતોના પાકને નુકશાન નહીં થાય. આ પહેલાં દરિયાનું ખારું પાણી બગડ નદીમાં ભળતાં આસપાસના ગામના પાણીના તળ અને કૂવા ક્ષારયુક્ત બન્યા હતા. જેના પગલે એકસમયે લોકોને પોતાના ભાવિ પેઢી માટે હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ દરેક ગ્રામજનોઓ સાથી હાથ બઢાનાની જેમ ખભેખભો મિલાવીને કામને પૂર્ણ કર્યુ.
જે કામ ગુજરાતની સરકાર છેલ્લાં 35 વર્ષથી નહોતી કરી શકી. તે કામ ગ્રામજનોએ દિવસ-રાત એક કરી માત્ર 40 દિવસમાં પૂર્ણ કર્યુ છે. જોકે હવે પાકા પાયાના કામની જવાબદારી રાજ્ય-સરકારના શિરે છે અને હવે તે ક્યારે થશે તે પણ સમિતિનો એક પ્રશ્ન છે.