ગાંધીનગરઃ રાજ્યમાં બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યના ઘણા જિલ્લામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. તો કેટલીક જગ્યાએ ખેતરમાં ઉભેલો પાક પડી ગયો છે. અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વચ્ચે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીનું નિવેદન
ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 2 દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ 26 અને 27મીએ માવઠાની આગાહી અગાઉથી જ કરવામાં આવી હતી. હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ અંદાજિત 60 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. અને આ માવઠાને કારણે 1 મિલિમીટરથી લઈ 144 મિલિમીટર જેટલો વરસાદ ઘણા એવા વિસ્તારોમાં નોંધાયો છે તેમ તેમણે જણાવ્યું હતું. 


પાકને નુકસાન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું એવું નુકસાન થયું છે. ખરીફ પાકોમાં કપાસ તુવેર અને એરંડા જેવા પાકોમાં નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. 


આ પણ વાંચોઃ મેઘરાજાએ ખેડૂતોના પાકનો સોથ બોલાવ્યો , મોં સુધી આવેલો કોળિયો, માવઠાએ છીનવ્યો


સરકાર કરશે સહાય
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ જાપાનના પ્રવાસે હોવાથી તેમણે ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની ચિંતા કરતા રાજ્ય સરકારને સતત કાર્યરત રહેવા સૂચના આપી છે. તેમના જણાવ્યા અનુસાર વરસાદની માત્રા ઓછી થશે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તેનું સર્વે કરીને તેમની સહાય કરવામાં આવશે. 
તેમ તેમણે જણાવ્યું હતું. 


અંતે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં બરફના કરા અને વીજળી પણ પડી છે, જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘણા એવા સામાન્ય નાગરિકોને તકલીફ પડી છે તેનું પણ સર્વે કરીને ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોની સહાય કરવા સરકાર કટિબદ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube