રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના થોરિયાળી ગામે પિતા-પુત્રના સંબંધને કલંક લગાડતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ સગા પુત્ર પર ફાયરિંગ કરતા પુત્રને પ્રથમ વીંછીયા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાનની જાણ થતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. ફાયરિંગ કરનાર પિતાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના વીંછીયા તાલુકાના થોરિયાળી ગામે જીવાભાઈ રામાભાઈ રાજપરા દ્વારા પોતાના પુત્ર ઘનશ્યામ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ પોતાની કિરાણાની દુકાનમાં હતો ત્યારે જ પિતાએ તેની પાસે રૂપિયા માંગ્યા હતા. પુત્રએ રૂપિયાની ના પાડતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્ર ઉપર ફાયરિંગ કર્યું હતું. પિતા અવારનવાર દુકાને આવી પુત્રને હેરાન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પુત્રએ આ અંગે મીડિયા સાથે કોઈપણ વાતચીત કરવાની ના પાડી હતી. ઉલ્લેખનીય છે કે જીવાભાઈને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં ઘનશ્યામ વચેટ હોવાનું જાણવા મળી રહ્યું છે.