સુરત/ગુજરાત : અંધશ્રદ્ધાનો કોઈ ધર્મ હોતો નથી. તે દરેક જાતિ, સમાજમાં અલગ અલગ રીતે ફેલાયેલી છે. આજના શિક્ષિત સમાજમાં પણ અનેક લોકો એવા છે જેઓ અંધશ્રદ્ધામાં રચ્યાપચ્યા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમા એક પિતા તેના મૃત દીકરાને જીવિત કરવાની આશાએ મંદિર લઈને પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યુ એમ હતું કે, સુરતની નવી સિવિલ ખાતે એક બાળકને 26મી ના રોજ  એક બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પાંડેસરાના ન્યૂ હરિધામ સોસાયટીમાં રહેતા જિતેન્દ્રભાઈ નાયક કાપડનો વ્યવસાય કરે છે. મૂળ યુપીના અલીગઢના વતની એવા જિતેન્દ્રભાઈને સંતાનોમાં બે દીકરા છે. જેમાંથી એક પુત્ર પિયુષ ગત 26મીના રોજ રમતા રમતા ઘરના પહેલા માળેથી પડી ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત પિયુષને સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં સોમવારે પિયુષનું મોત નિપજ્યું હતું. 


મૃત જાહેર થયા બાદ આખા પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું. પરિવારમાં ઘેરા આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી, અને તેઓ દીકરાનું મોત સહન કરી શક્યા ન હતા. તબીબોએ બાળકના મૃતદેહને પીએમ રૂમમાં લઈ જવા કહ્યું હતું. ત્યારે જિતેન્દ્રભાઈ દીકરાને પીએમ રૂમમાં જવાને બદલે દીકરાને લઈ મંદિર પહોંચ્યા હતા. રીક્ષામાં મંદિર પહોંચીને તેમણે બાળકને ભગવાના ચરણમા ધરી દીધું હતું. તેઓ માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા કે, તેમના દર્શનથી પુત્ર ફરીથી જીવિત થઈ જાય. પરંતુ મંદિરમાં પૂજા કર્યા બાદ પણ પુત્ર જીવિત થયો ન હતો. આખરે પુત્ર જીવિત નથી જ થવાનો, અને પોતે વ્હાલસોયો દિકરો ગુમાવ્યો છે તેવું દેખાઈ આવતા પિતા ભારે નિરાશાથી તેના મૃતદેહને ઘરે લઈ ગયા હતા. 


જોકે, અંતિમ વિધિ માટે બાળકના ડેથ સર્ટિફિકેટની જરૂર પડતા તેઓ ફરીથી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોને સઘળી હકીકતની જાણ થઈ હતી. ત્યારે ડોક્ટરોએ તેમને સમજાવ્યું હતું કે, ડેથ સર્ટિફિકેટ માટે બાળકનું પીએમ કરાવવું જરૂરી છે. ત્યારે તેઓ પોતાના મૃત બાળકને ફરી હોસ્પિટલ લઈને આવ્યા હતા. આમ, એક પિતાની અંધશ્રદ્ધાને કારણે બાળકની લાશ અહીથીતહી ફરી હતી. 


ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવા અનેક કિસ્સાઓ મળી  આવે છે, જેમાં લોકોને હજી પણ વ્યક્તિના મોત બાદ તેના ફરીથી જીવંત થવાની આશા હોય છે. આ માટે તેઓ મોત બાદ પણ અનેક ટોટકા અપનાવતા હોય છે.