અમદાવાદઃ ગુજરાતમાં 7 મેએ લોકસભાની ચૂંટણીમાં મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે. લોકસભાની ટિકિટ મળ્યા બાદ એક કાર્યક્રમમાં રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની પણ માંગ કરી હતી. પરંતુ ભાજપે ટિકિટ રદ્દ કરી નહીં. ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજી રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજને લઈ કોંગ્રેસે મોટો મુદ્દો ઉઠાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાનો વિરોધ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સંગઠન સમિતિ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજના આંદોલનથી કોંગ્રેસને ફાયદો થાય તેવી આશા કોંગ્રેસના નેતાઓ કરી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી છે કે ક્ષત્રિય મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરી દેવામાં આવી શકે છે.  કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ કહ્યું કે 2015માં પાટીદાર આંદોલન દરમિયાન મતદારોના નામ રિજેક્શન લિસ્ટમાં ઉમેરી દેવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ 2024ની ચૂંટણીમાં ગેરંટી લઈને આવ્યો છું, જાણો ડીસામાં પીએમ મોદીના સંબોધનની મોટી વાતો


કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે 2015 દરમિયાન જે રીટે પાટીદાર આંદોલન ઉપડ્યું હતું તે રીતે ક્ષત્રિય આંદોલન ઉપડ્યું છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે પાટીદારો મત આપવા ગયા તો તેમના નામ રિજેક્શન લિસ્ટમાં હતા. આ સમયે 2.5 લાખ મતદારોના નામ રિજેક્ટ લિસ્ટમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે જે રીતે ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે, તેને જોતા તેના નામ પણ રિજેક્ટ લિસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. 


કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે 2015માં માત્ર અમદાવાદ શહેરમાં એક લાખ પાટીદારોના મત રિજેક્શન લિસ્ટમાં હતા. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આવનારા સમયમાં અમે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મુદ્દે રૂબરૂ રજૂઆત કરવાના છીએ. આ સાથે તેમણે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મહિલાઓને નજરકેદ રાખવામાં આવે છે. ખોટી રીતે લોકોને ડિટેન કરવામાં આવે છે. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે પોલીસ ઈરાદાપૂર્વક ભાજપની સેવક ન બને. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમે પોલીસનું સન્માન કરીએ છીએ પરંતુ તેણે ભાજપનો હાથો ન બનવું જોઈએ.