ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ : સ્ટાર્સને પીરસાશે ખાસ ગુજરાતી વાનગીઓ, સુરતી ઘારીને મિલેટ્સ ટચ અપાયો
Filmfare Awards 2024 : ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડની તડામાર તૈયારીઓ.... ગિફ્ટ સિટી કન્ટ્રી ક્લબ પાસે બનાવાયો મુખ્ય સ્ટેજ.... 69મા ફિલ્મ ફેર એવોર્ડમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓ રહેશે હાજર....
Gandhinagar News ગાંધીનગર : ગુજરાતના આંગણે પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ યોજાઈ રહ્યો છે. ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેર એવોર્ડના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે એવોર્ડ ફંક્શન માટે ગિફ્ટ સિટી કન્ટ્રી કલબ પાસે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ક્રેનના ઉપયોગ મારફતે અલગ પ્રકારનું ઓપન સ્ટેજ પ્રોગ્રામ માટે સ્ટેજ તૈયાર કરાયું છે. આવતી કાલે 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન થશે. ફિલ્મ ઉદ્યોગના ગુજરાતમાં વિકાસની તકોની દ્રષ્ટિએ ફિલ્મફેરનું ગુજરાતમાં આયોજન થઈ રહ્યું છે. બૉલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સિતારાઓ ફિલ્મફેર એવોર્ડમાં પર્ફોમન્સ આપશે. ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપશે.
કયા કયા સ્ટાર્સ આવશે
આ વખતે પહલીવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાઇ રહ્યો છે, આ વખતે 69મો ફિલ્મફેર એવોર્ડ ગાંધીનગરના મહાત્મ મંદિરમાં યોજાઇ રહ્યો છે, આ ફિલ્મ ફેર એવોર્ડ સમારંભમાં કેટલાય ઉભરતા કલાકારો માટે પ્રતિષ્ઠિત સેલેબ્સ હાજરી આપશે. આ ફિલ્મફેર એવોર્ડ ફન્કશનમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર, એક્ટર આયુષ્યમાન ખુરાના, મનીષ પોલ, રણબીર કપૂર, વરૂણ ધવન, કરીના કપૂર ખાન, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન તેમજ કાર્તિક આર્યન સહિતના કેટલાય સ્ટાર્સ અને સેલિબ્રિટીઝઓ હાજરી આપશે.
સ્ટાર્સને ખાનગી પીરસાશે
ફિલ્મફેર એવોર્ડમાં બોલિવુડ સ્ટાર્સ માટે વિશેષ વાનગીઓની તૈયારી કરવામાં આવનાર છે. આ વિશે એક્ઝિક્યુટીવ શેફ કપિલ દૂબેએ જણાવ્યું કે, બોલિવુડ સ્ટાર્સ માટે આંતરરાષ્ટ્રીય અને ઈન્ડિયન ફૂડની સાથે ગુજરાતી વાનગીઓ પણ પીરસાશે. રાગી બાજરી જેવા મિલેટ્સમાંથી ગુજરાતી વાનગીઓ તૈયાર કરવામાં આવનાર છે. ગુજરાતની સુરતી ઘારી મિલેટસનો ટચ આપી બનાવાઈ છે. મોહન થાળ, સ્પાઈસ એપ્રિકોટ ચોકલેટ, ગુલાબ પાક, સુખડી તૈયારી કરાઈ છે. ફિલ્મ સ્ટાર્સ માટે ખાસ લો કેલરી ફૂડ તૈયાર કરાશે. જેમાં ફરસાણમાં રાગી ઢોકળા બનાવાયા છે. ઉંધિયુ, કઢી, બાજરીની ખીચડી પણ પીરસવામાં આવશે. તો સાથે જ ગુજરાતી થાળીમાં ખીચડી-કઢી, ટીંડોળાનું શાક અને રવૈયાં બટાકાનું શાક પણ હશે.
ફેશન શોની સાથે આ ઈવેન્ટ્સ પણ યોજાશે
આજે 69માં ફિલ્મફેર એવોર્ડનું કર્ટેન રેઈઝર થયુ છે. આમાં શાંતનુ અને નિખિલ કલેક્શનનો મેગા ફેશન શો યોજાશે, આ ફેશન શોમાં શો ટોપર્સ પણ જ્હાન્વી કપૂર છે, આ ઉપરાંત ફિલ્મફેર એવોર્ડમાં પાર્થિવ ગોહિલની મ્યૂઝિકલ નાઈટ યોજાશે.
તમે BookMyShow પર સરળતાથી ટિકિટ બુક કરી શકશો. BookMyShow પર એક સીટની 3000થી 35000 સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.