ઓનલાઇન ફુડ ડિલિવરી એપ દ્વારા ડિલિવરી બોયનું આર્થિક શોષણ, કર્મચારીઓએ કર્યો વિરોધ
ઓનલાઇન ફુડ ડિલિવરી એપ સ્વિગીના ડિલિવરી કર્મચારીઓ દ્વારા આજે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓછા વળતરને કારણે કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
સુરતઃ સુરત શહેરમાં આજે આર્થિક શોષણને પગલે સ્વિગી ફુડ ડિલીવરી સાથે સંકળાયેલા 300થી 400 જેટલા કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આખો દિવસ શહેરભરમાં રઝળપાટ કરતાં આ કર્મચારીઓએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, 16થી 20 કલાક સુધી કામ કરવા છતાં પહેલા જેટલું વળતર ન મળતાં આર્થિક સ્થિતિ દયનીય થઈ જવા પામી છે.
આછો વળતરથી પરેશાન કર્મચારીઓ
અડાજણ ખાતે આજે એકઠા થયેલા આ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન સાથે જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ અગાઉ ટાર્ગેટ સિસ્ટમને પગલે પ્રત્યેક કર્મચારી આઠેક કલાકમાં જ એક હજારથી બારસો રૂપિયાની કમાણી કરતો હતો. જો કે, હવે છેલ્લા કેટલાક સમયથી સ્લોટ સિસ્ટમ લાગુ કરવામાં આવતાં કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ઓનલાઈન રહેવા છતાં કોઈ ખાસ વળતર મળતું નથી.
આ પણ વાંચોઃ 21 સપ્ટેમ્બરે રાજ્યમાં માલધારીઓની દૂધ હડતાળ, ડેરીઓ અને ઘરે-ઘરે દૂધ પહોંચાડશે નહીં
અગાઉ એક ઓર્ડર પર 35 રૂપિયા મળતા હતા જે હવે માત્ર 20 રૂપિયા થઈ ચુક્યા હોવાનો બળાપો પણ તેઓએ ઠાલવ્યો હતો. આ દરમ્યાન વિકલી ઈન્સેન્ટીવ પણ બંધ કરી દેવામાં આવતાં મહિને પાંચ હજાર રૂપિયા જેટલું નુકસાન આ કર્મચારીઓને થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube