અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદના જીવરાજ પાર્ક પાસે આવેલા બજરંગ રો હાઉસમાં સ્પંચના ગોડાઉનમાં આગ લાગતા મોટી અફરાતફરી સર્જાઈ હતી. જ્યાં આગ લાગી હતી, તેની ઉપર જ ટ્યુશન ક્લાસ ધમધમતુ હોવાથી 15 જેટલા વિદ્યાર્થીઓ આગની જ્વાળામાં ફસાયા હતા. જેઓને ફાયર ફાયટર્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, અમદાવાદના જીવરાજ પાર્કમાં રોડ પર થર્મોકોલની ફેક્ટરી આવેલી છે. તેની બહાર પડેલ જ્વલનશીલ પદાર્થને કારણે આગ લાગી હતી. પાંચથી વધુ ફાયર ફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગઈ હતી. થર્મોકોલને કારણે આગ લાગતા આજુબાજુના મકાનોમાં નાસભાગના માહોલ મચ્યો હતો. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. પરંતુ જ્યાં આગ લાગી હતી તેની ઉપર એક ટ્યુશન ક્લાસ ચાલુ હતું. જેમાં 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. ત્યારે ગોડાઉનમાં લાગેલી આગને કારણે 15 બાળકો અંદર ફસાયા હતા. સ્થાનિકો દ્વારા 15 જેટલા બાળકોને આગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 


રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે આ ગોડાઉન ધમધમી રહ્યું હતું.  આસપાસમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ તરીકે આ જગ્યા ભાડે આપવામાં આવેલી હોવાની વાત સામે આવી છે. આ મામલે પહેલાથી જ સ્થાનિકોનો વિરોધ હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. 


તો બીજી તરફ, શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગી હોય તેવું કહેવાઈ રહ્યું છે. ફાયર ફાઈટરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગને બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, તેમાં પરિવારો પણ રહેતા હતા. જેથી પહેલા તો પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો હતો, અને તેઓ તાત્કાલિક અસરથી મકાનમાંથી બહાર નીકળી ગયા હતા.