• મંગળવારની રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ત્રીજા માળના રૂમ નંબર 303 માં ટીવીના યુનિટમાં શોટસર્કિટ થયો હતો

  • ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી


નવનીત દલવાડી/ભાવનગર :ગુજરાતમાં વધુ એક કોવિડ હોસ્પિટલ આગના લપેટામાં આવી છે. ભાવનગર શહેરની હોટલમાં ચાલતા કોવિડ વોર્ડમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જનરેશન એક્સ હોટલમાં ચાલતા સમર્પણ કોવિડ કેરમાં આગ ફાટી નીકળી હતી. એકાએક આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલા 18 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. આ ઘટના બાદ ધારાસભ્ય જીતુ વાઘાણી, મનપા કમિશનર સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા. તમામ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કોવિડ કેરમાં લાગેલી આગમાં સદનસીબે જાનહાનિનો કોઈ બનાવ નથી બન્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોટલના ત્રીજા માળે કોવિડ સેન્ટર આવેલું છે. ત્યારે મંગળવારની રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ ત્રીજા માળના રૂમ નંબર 303 માં ટીવીના યુનિટમાં શોટસર્કિટ થયો હતો. જેના બાદ આગ અચાનક ફાટી નીકળી હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. 


ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂની કામગીરી હાથ ધરાઈ હતી. 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પહેલા તો ફાયર વિભાગ દ્વારા આગ બૂઝવવાનો પ્રયાસ કરાયો હતો. જેના બાદ દર્દીઓને રેસ્ક્યૂ કરાયા હતા. કોવિડ સેન્ટરમાં રહેલા 68 દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. 


તેમજ આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. જોકે આગમાં સમગ્ર 303 રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. આ આગ લાગ્યાની જાણ થતાં જ કોરોનાના દર્દીઓના સગા વ્હાલાઓને ભારે મોટી ભીડ ઘટનાસ્થળે એકત્ર થઈ ગઈ હતી.