મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા ઈશાન-3 B ટાવરમાં આવેલા એક મકાનમાં મોડી રાતે આગ લાગતાં પતિ-પત્નીના મોત નિપજ્યા છે. જ્યારે બે પુત્રી અને વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૂંગળામણના કારણે બંને પતિ પત્નીના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રહલાદનગરમાં આવેલા ઈશાન-3 ટાવર-B ટાવરના 64 નંબરના મકાનમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. 64 નંબરના ફ્લેટમાં રહેતા અચલભાઈ શાહ તેમની પત્ની પ્રેમીલા શાહ, પુત્રી આરોહી, રિશીતા અને તેમની માતા સાથે રહેતા હતા. અચલભાઈ એક ખાનગી મીડિયામાં માર્કેટિંગ હેડ તરીકે નોકરી કરતા હતા. શુક્રવારે રાતે અચલભાઈનો પરિવાર ઘરમાં સૂતો હતો. દરમ્યાનમાં મોડી રાતે અઢી વાગ્યે સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગના ધુમાડાથી ઘરના સભ્યો જાગી ગયા હતા. પરંતુ ઘરમાં આગ વધુ પ્રમાણમાં પ્રસરી ગઇ હતી.


ઘરમાં લાગેલી આગ દરવાજા સુધી પ્રસરી ગઈ હતી જેથી કોઈ ઘરની બહાર નીકળી શક્યા ન હતા. ધુમાડાના કારણે ઘરના તમામ સભ્યો બેભાન થઈ ગયા હતાં. બીજી તરફ પાડોશીઓએ ફાયર સેફટીમાંથી પાણીનો મારો ચલાવી આગ પર સામાન્ય કાબુ મેળવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરતા સાત જેટલા ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે આવી આગને કાબુમાં લીધી હતી.


ફાયરની ટીમે ઘરના દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી આગને કાબુમાં લઈ પાંચેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં અચલભાઈ અને તેમના પત્ની પ્રેમીલાબેનનું ગૂંગળામણના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે તેમની માતાની હાલત ગંભીર હોવાનું ડોકટરે જણાવ્યું છે. આનંદનગર પોલીસે લાશને પીએમ માટે મોકલી એફએસએલની ટીમને જાણ કરી આગનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.