• મંગળ બજારમાં એક મકાનમાં આગ લાગતા બાજુમાં આવેલું કપડાનું ગોડાઉન ચાઈનીઝ તુક્કલને કારણે આગના લપેટામાં આવ્યું હતું


રવિ અગ્રવાલ/વડોદરા :આ વર્ષે કોરોનાકાળને કારણે ઉત્તરાયણની ઉજવણી ફિક્કી રહી. સરકારે ઉત્તરાયણની ઉજવણી પર પહેલેથી જ નિયમો લાદ્યા હતા. ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. છતાં કેટલાક લોકોએ જાહેરનામાનો ભંગ કરીને ચાઈનીસ તુક્કલ ઉડાડ્યા હતા. ચાઈનીઝ તુક્કલથી અનેકવાર આગના બનાવો બનતા રહે છે. આવામાં વડોદરામાં છૂપી રીતે ઉડાવાયેલા ચાઈનીઝ તુક્કલથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. મોડી સાંજે મંગળ બજારમાં એક મકાનમાં આગ લાગતા બાજુમાં આવેલું કપડાનું ગોડાઉન ચાઈનીઝ તુક્કલને કારણે આગના લપેટામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના મંગળ બજારમાં આવેલ એક બંધ મકાનમાં આગ લાગી હતી. ઉડીને આવેલુ ચાઈનીસ તુક્કલ મકાનમાં આવીને પડ્યું હતું. જેથી મકાનમાં આગ લાગી હતી. પરંતુ આ આગ મકાનની બાજુમાં આવેલ કપડાના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. આગ પ્રસરતા બાજુમાં આવેલા કપડાના ગોડાઉનમાં પણ આગ વધુ ફેલાઈ હતી. ત્યારે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 



ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આ આગ વહેલાસર કાબૂમાં ન આવી હોત તો આસપાસના દુકાનોમાં આગ ફેલાવાની શક્યતા હતી. મંગળ બજાર રજાના દિવસે સાવ ખાલી હોય છે, અહી કોઈ ખાસ અવરજવર પણ હોતી નથી. તેથી જો આગની જાણ વહેલાસર થઈ ન હોત તો મોટી માલહાનિ સર્જાઈ શકી હોત.