રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતની હોસ્પિટલમાં ફરી એકવાર આગ(fire) નો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં 5 લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે કે 5 દર્દી આગમાં ભડથુ થયા હતા. હોસ્પિટલ (covid hospital) ના બીજી માળે મશીનરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગંભીર આગની ઘટના (rajkot fire) વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃત્યુ પામનાર દર્દીના નામ


  • રામસિંહ ભાઈ

  • નિતિનભાઇ બાદાણી

  • રશિકલાલ અગ્રવાત

  • સંજય રાઠોડ

  • કેશુભાઈ અકબરી


મુખ્યમંત્રીએ મૃતકો માટે સહાય જાહેર કરી  
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની  શિવાનંદ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.



મોડી રાત્રે 12 વાગ્યે આગ લાગી 
મોડી રાત્રે 12.20 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને આગ લાગવાનો કોલ આવ્યો હતો. જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ DCP અને ACP કક્ષાના અધિકારી તેમજ માલવીયા નગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગોકુલ હોસ્પિટલના તબીબો દ્વારા શિવાનંદ કોવિડ કેરનું સંચાલન કરવામા આવી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે કુલ 33 દર્દી સારવાર હેઠળ હતા, જે પૈકી 5 દર્દીના મૃત્યુ થયા છે.આગમાંથી રેસ્ક્યૂ કરાયેલા તમામ દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. 



બેદરકારી દાખવનાર સામે તપાસ કરાશે 
આ મામલે મ્યુનિસિપિલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું કે, સમગ્ર ઘટનામાં બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરાશે. હોસ્પિટલે એનઓસી લીધેલી છે. એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે. 



ઓગસ્ટથી ગુજરાતની હોસ્પિટલોમાં આગનો સિલસિલો 
ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. ત્યારે આ કોવિડ હોસ્પિટલોમા સતત બની રહેલી આગની ઘટના બાદ પણ સરકારની પેટનું પાણી હલતુ નથી. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલ. સુરત ટ્રાયસ્ટરા હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે.