નવસારી: નવસારીમાં કસ્બા ગામે ખેતરમાં થઈ રહેલી દારૂની હેરાફેરી પર વિજિલન્સની ટીમે રેડ કરતા બુટલેગરોએ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં પોલીસે પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતા એક ઈસમને ગોળી વાગતા સુરત હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ખસેડવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત રોડ પર કસબા વિરાવળ ગામ નજીક અમદાવાદ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં. દમણથી દારૂનો જથ્થો આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કરેલી રેડમાં ફિલ્મી ઢબે સામ-સામે ફાયરીંગ થયું હતું. જેમાં એક શખ્સને ગોળી વાગતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં નવસારી અને સુરત પોલીસ દોડતી થઈ હતી. 


નવસારીના એસીપી બીએસ મોરીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ અને એસઆરપીના જવાનો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી સ્વ બચાવમાં પીએસઆઈ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું. વર્ના કાર પર ફાયરીંગ પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવતાં એક શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે અન્ય લોકો નાસી ગયા હતાં. જેથી પોલીસે ઘટના સ્થળેથી 300થી વધુ પેટી દારૂ અને નવ ફોર વ્હિલ સાથે એક મોપેડ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


બુટલેગર દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના બચાવમાં પોલીસ દ્વારા 5 જેટલા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. બુટલેગરની કાર પર ગોળીઓ વાગી હતી. સાથે જ મજૂરી કામ અર્થે આવેલા શખ્સો દોડાદોડી કરતાં એક શ્રમિકને પણ ગોળી વાગી હતી.