સુરેન્દ્રનગરમાં પ્રથમ ગુજસીટોક ગુનો નોંધાયો, ઝડપાયેલા 13 આરોપીઓમાંથી 6 છે રીઢા ગુનેગાર
- અગાઉ પણ આ ગેંગના આરોપીઓ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને કોર્ટના હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આરોપીઓ જામીનમુક્ત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખતા હતાં
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોના આતંક પર લગામ કસવા માટે રાજ્ય સરકારે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ એક્ટ-2015ને લાગુ કર્યુ છે. આ સાથે જ કુખ્યાત ખંડણીખોર, વ્યાજખોર પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. સુરેન્દ્રનગરમાં પણ આ જ કાયદા હેઠળ 13 શખ્સો સામે ગુનો નોંધાયો છે. જે જિલ્લાનો પ્રથમ ગુજસીટોક અંતર્ગત ગુનો બન્યો છે.
આ પણ વાંચો : અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું ભાજપ, સભા પહેલા નીતિન પટેલનો વિરોધ
છેલ્લા ઘણાં વર્ષોથી સુરેન્દ્રનગરમાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે તથા જિલ્લાના આંતરિયાળ રોડ પર રાત્રિના સમયે પસાર થતાં વાહનોમાં લૂંટ થવાની ફરિયાદ આવી હતી. લૂંટારુઓ ચાલુ ટ્રક કે ટેમ્પો સહિતના વાહનોની તાડપત્રીને કાપી તેમાંથી કિંમતી માલસામાનની ચોરી કરતા હતાં. બસ આ જ ફરિયાદના આધારે એલસીબીએ અલગ અલગ દિલધડક ઓપરેશન હાથ ધર્યાં હતા. જેમા અનેક આરોપીઓ પર સકંજો કસ્યો હતો. સાથે જ અસંખ્ય ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો. આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, હથિયારધારા ભંગ, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ પાકિસ્તાન તરફ નીકળ્યું
અગાઉ પણ આ ગેંગના આરોપીઓ અનેક ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે અને કોર્ટના હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ આરોપીઓ જામીનમુક્ત થયા બાદ ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિ શરૂ રાખતા હતાં. આરોપીઓએ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ત્યારબાદ અમદાવાદ, રાજોકટ ગ્રામ્ય, મોરબી, બોટાદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પણ પોતાનું નેટવર્ક ઉભુ કરી ગંભીર અને અસંખ્ય ગુનાઓ આચર્યા છે.
આ સાથે જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જો કોઈ વ્યક્તિ આશરો આપશે. કોઈ સગવડતા આપશે કે તેઓની કોઈપણ પ્રકારની મદદ કરશે અથવા ચોરી કરી મેળવેલો મુદ્દામાલ ખરીદશે તો તમામની ગુનામાં મદદ કરવાના આરોપસર અટક કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.