Gujarat Assembly Election 2022:  ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. પ્રથમ તબક્કામાં સરેરાશ 56.75 ટકા મતદાન થયું. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા મતદાન નોંધાયું તો સૌરાષ્ટ્રના અમરેલીમાં સૌથી ઓછું 52.73 ટકા મતદાન થયું. રાજકોટની આઠ બેઠકો પર સરેરાશ 55.93 ટકા મતદાન થયું. 2017 કરતા આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાનનો સમય સાંજે 5 વાગ્યા સુધીનો હતો. ગુરુવારે (1 ડિસેમ્બર), ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી પ્રથમ તબક્કા હેઠળ 89 બેઠકો પર મતદાન થયું હતું. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ભાગના 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે.


પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી


જિલ્લા પ્રમાણે વિગતો 


  • અમરેલી  52.73

  • ભરૂચ 59.36

  • ભાવનગર 51.34

  • બોટાદ 51.64

  • ડાંગ 64.84

  • દેવભૂમિ દ્વારકા 59.11

  • ગીર સોમનાથ 60.46

  • જામનગર 53.98

  • જુનાગઢ  52.04

  • કચ્છ 54.52

  • મોરબી 56.20

  • નર્મદા 68.09

  • નવસારી 65.91

  • પોરબંદર 53.84

  • રાજકોટ 51.66

  • સુરત 57.16

  • સુરેન્દ્રનગર 58.14

  • તાપી 72.32

  • વલસાડ 62.46


સુરેન્દ્રનગરની 5 વિધાનસભાની બેઠક પર અંદાજીત 59% મતદાન
સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભાની બેઠક પર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. જેમાં 57 ઉમેદવાર ના ભાવિ EVM મશીનમાં સીલ થયા. જિલ્લાની 5 બેઠકો પર શાંતિ પૂર્વક મતદાન સમાપ્ત થયું. અંદાજીત 59% જેટલું 5 બેઠક પર મતદાન થયું. હાલ બુથો પરથી EVM મશીનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. તમામ મતદાન સમયે ઉપયોગમાં આવેલ EVM મશીનો એમપી શાહ સાયન્સ કોલેજ ખાતે લાવવામાં આવશે. 8 ડિસેમ્બર ના રોજ મત ગણતરી યોજવામાં આવશે.


મોરબીમાં સરેરાશ 69.84 ટકા મતદાન
મોરબી જિલ્લામાં મતદાન પુરુ, સરેરાશ 69.84 ટકા મતદાન થયુ છે જો કે, ગત ચુંટણીની સરખામણીએ મતદાન ઘટ્યુ હોવાનું સામે આવી રહ્યુ છે અને હજુ ફાઇનલ કાઉન્ટીંગ ચાલુ છે જેથી સરેરાશ મતદાનમાં થોડો વધારો થાય તેવી શકયતા છે.


મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ચાલુ વર્ષે 67.16ટકા જેટલુ મતદાન નોંધાયુ છે જો કે, ગત ચુંટણીમાં 71.24 ટકા મતદાન હતુ તેવી જ રીતે  ટંકારા પડધરી બેઠકમાં ચાલુ વર્ષે 71.18 ટકા મતદાન થયેલ છે અને, ગત ચુંટણીમાં 74.12 ટકા મતદાન હતુ તો વાંકાનેર કુવાડવા બેઠકમાં ચાલુ વર્ષે 71.19 ટકા મતદાન છે અને ગત ચુંટણીમાં 74.38 ટકા મતદાન હતુ વધુમાં ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં કેટલાક બૂથમાં પાંચ વાગ્યા પહેલા જે મતદારો આવ્યા હતા તેનું મતદાન પૂર્ણ કરવાની અને છેલ્લું ફાઈનલ કાઉન્ટિંગ કરવા માટેની કામગીરી ચાલુ છે જેથી કરીને સરેરાશ આ વખતે જે મતદાન હાલ સુધી 61.96 ટકા નોંધાયું છે તેમાં થોડો ઘણો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.


ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અંતિમ મતદાનના આંકડાની રાહ જોવાઈ રહી છે અને સાંજે 5 વાગ્યા સુધી 59.24 ટકા મતદાન નોંધાયું છે. તાપીમાં સૌથી વધુ 72.32 ટકા અને અમરેલીમાં સૌથી ઓછું 52.73 ટકા મતદાન નોંધાયું હતું. અમુક છૂટાછવાયા બનાવો અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ખામીની ફરિયાદોને બાદ કરતાં સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા મોટાભાગે શાંતિપૂર્ણ રહી હતી. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે અને મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.


14,382 મતદાન મથકો પર થયું મતદાન 
ગુરુવારે 14,382 મતદાન મથકો પર મતદાન શરૂ થયું. જેમાંથી 3,311 શહેરી અને 11,071 ગ્રામીણ વિસ્તારોમાં છે. મતદાન પર નજર રાખવા માટે 13,065 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે અને પાર્ટી સતત સાતમી વખત સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહી છે. આ વખતે ભાજપ માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી (AAP) સામે પણ છે જે પોતાને મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.


2017 ચૂંટણી પરિણામો
જો ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો જીતી હતી. 2 સીટ BTP અને એક સીટ NCPને ગઈ.