અમદાવાદ: અમદાવાદમાં દેશ વિદેશની લક્ઝરી બ્રાન્ડની માંગ દિવસેને દિવસે વધી રહી છે, તેમજ વધુને વધુ અમદાવાદીઓ લક્ઝરી બ્રાન્ડ અને સ્ટાઈલ વિષે સભાન બની રહ્યા છે. ખાસ કરીને યુવા વ્યાવસાયિકો અને યુવા ઉદ્યોગ સાહસિકો વિવિધ લક્ઝરી બ્રાન્ડેડ વસ્તુઓ જેવીકે જ્વેલરી, પરફ્યુમ, બેગ્સ, કાર, ઘર વગેરે ખરીદવામાં વધુ રસ લઇ રહ્યા છે. જયારે બીજી તરફ કેટલાક યુવા સાહસિક 'લક્ઝરી બ્રાન્ડ'ના વ્યવસાયમાં જંપલાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બદલાવ અને સમયની માંગને ધ્યાનમાં રાખી 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વાર ''બિઝનેસ ઓફ લક્ઝરી' અને 'સ્ટાઈલિંગ' વિષય પર એક ખાસ સેમિનારનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતી વિદેશી લક્ઝરી બ્રાન્ડના કન્ટ્રીહેડ 'સુનૈના ક્વાત્રા', તેમજ આમ્રપાલી જ્વેલ્સના સ્થાપક 'તરંગ અને આકાશાં અરોરા'એ લક્ઝરી બ્રાન્ડના વ્યવસાયના વિવિધ પાસાઓ વિષે ચર્ચા કરી હતી, તેમજ બ્રાંન્ડ બિલ્ડિંગ કેવી રીતે કરવું તેના વિષે માહિતી આપી હતી.


આ પ્રસંગે કાર્યક્રમના આયોજક વાયફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન 'શ્રિયા દામાણી'એ જણાવ્યું કે અમદાવાદ જેવા શહેરમાં 'લક્ઝરી બ્રાન્ડ'ના વ્યવસાયમાં વિકાસની પુષ્કળ તકો રહેલી છે, તેમજ ઇકોમર્સ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી વ્યવસાયનો ખૂબજ ઝડપી વિકાસ કરી શકાય છે. જાણીતી સેલિબ્રિટી સ્ટાયલિસ્ટ 'આસ્થા શર્મા' એ વાયફ્લોના સભ્યો તેમજ યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકોને સ્ટાઇલિંગ વિષે માહિતી આપી હતી.