ઉત્તરકાશીથી પરત ફરી રહેલા ગુજરાતીઓની બસને નડ્યો અકસ્માત, 9નાં મોત
મિની બસ ખાઇમાં ખાબકતા 8 ગુજરાતીઓનાં મોત નિપજ્યાં, સ્થાનિક ગ્રામવાસીઓએ રાહત અને બચાવકાર્ય ચાલુ કર્યું
નવી દિલ્હી : ઉતરાખંડમાં વધારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ઉતરાખંડમાં ગંગોત્રીથી પરત ફરી રહેલી એક મિની બસ ખાઇમાં ખાબકતા 9 લોકોનાં મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ બસમાં મોટા ભાગનાં પ્રવાસીઓ ગુજરાતી હતા. બસમાં કુલ 13 યાત્રીઓ બેઠા હોવાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
હાલ તો દુર્ગટના બાદ સ્થાનિક તંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. 5 લોકો ઇજાગ્રસ્ત હોવાથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે મૃતકો ઘાયલોમાં મોટા ભાગનાં લોકો ગુજરાતી ઉપરાંત રાજકોટનાં રહેવાસીઓ હોવાનું સામે આવી રહ્યું છે. બે લોકોનાં શરીર હજી પણ બસમાં જ ફસાયેલા છે. તેમનાં દેહને બહાર કાઢવા માટેની કામગીરી ચાલી રહી છે.
ગમખ્વાર અકસ્માત સાંજે 4 વાગ્યે બન્યો હતો. જો કે અકસ્માતનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. હાલ ઘટના અંગે માહિતી મળ્યા બાદ ગુજરાત સરકારનાં અધિકારીઓ પણ દોડતા થયા છે. જ્યારે યાત્રાએ ગયેલા લોકોનાં પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટના અંગે માહિતી મળતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તત્કાલ ગૃહ સચિવ જે.એન સિંઘ સાથે વાત કરીને શક્ય તેટલી તમામ મદદ કરવા માટે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તમામ મૃતકોને હવાઇ માર્ગે લાવવામાં આવશે. ઉપરાંત તમામ ઘાયલોને ઉત્તમ સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવા ઉપરાંત સ્થાનિક તંત્રના સતત સંપર્કમાં હોવાનું પણ જણાવ્યું હતું.