246 મુસાફરોની છેલ્લી ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી, RT-PCR ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ
- કેન્દ્ર સરકારે ફલાઈટ પર રોક લગાવી ત્યારબાદ આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી
- RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની છૂટ અપાઈ નથી
અતુલ તિવારી/અમદાવાદ :બ્રિટનમાં કોરોનાનો નવા સ્ટ્રેન જોવા મળ્યા બાદ હડકંચ મચી ગયો છે. આ કારણે ઘણા યૂરોપીય દેશોએ બ્રિટનથી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ કડીમાં ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર બ્રિટનથી 246 મુસાફરો સાથેની ફ્લાઈટ આવી પહોંચી છે. મુસાફરો બ્રિટનથી આવ્યા હોવાથી તમામનો RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની પરમિશન અપાઈ નથી. RT-PCR ટેસ્ટની કામગીરી દરમ્યાન પેસેન્જરોને હાલાકી ન થાય તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં જ તમામ માટે ચા-નાસ્તાની સાથે બપોરના લંચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : કલોલમાં બ્લાસ્ટથી પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા 2 મકાનો, કાટમાળ નીચે દબાયેલા 2ના મોત
કોરોના વાયરસનો સ્ટ્રેઇન બદલાતા UK સાથેની તમામ ફ્લાઈટ 31 ડિસેમ્બર સુધી રદ કરાઈ છે. કેન્દ્ર સરકારે ફલાઈટ પર રોક લગાવી ત્યારબાદ આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 246 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ બ્રિટનથી આવેલી આ છેલ્લી ફ્લાઈટ હતી. RT-PCR ટેસ્ટનું પરિણામ નહિ આવે ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટની બહાર નીકળવાની છૂટ અપાઈ નથી. પરંતુ જે મુસાફરોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. તો બીજી તરફ, જો ટેસ્ટ પોઝિટિવ આવશે તો મુસાફરોને ક્વોરન્ટાઇન કરાશે.
એર ઈન્ડિયાની ફલાઇટના માધ્યમથી 246 મુસાફરોનું આગમન થયું હતું. AMC ની આરોગ્ય વિભાગની ટીમ તેમજ અમદાવાદ DDO એરપોર્ટમાં પહોંચી ગઈ હતી. તમામ મુસાફરોના ટેસ્ટ બાદ મુસાફરોને બેસવા તેમજ જમવાની અલગ વ્યવસ્થા કરાઈ હતી.
આ પણ વાંચો : ગાંધીનગરમાં 2 મકાનોમાં બ્લાસ્ટ બાદ ભયાવહ નજારો સર્જાયો, બૂલડોઝર ફેરવાયું હોય તેમ કાટમાળ પડ્યો છે
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર તરફથી ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે, બ્રિટનમાં હાલની સ્થિતિને જોતા ભારત સરકારે નિર્ણય લીધો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ઉડાનોને સસ્પેન્ડ કરી દીધી છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 કલાકથી શરૂ થશે. જે 31 ડિસેમ્બર મધ્યરાત્રી સુધી જારી રહેશે.
શું છે કોરોનાનો નવો સ્ટ્રેન
બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન VUI-202012/01 મળ્યો છે, ત્યારબાદ વિજ્ઞાન જહતમાં હલચલ તેજ છે. બ્રિટને પોતાને ત્યાં નિયમો કડક કરી દીધા છે. જ્યારે ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ સહિત યૂરોપના ઘણા દેશોએ યૂકેની ફ્લાઇટ પર બેન લગાવી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોરોનાના નવા સ્ટ્રેનના પર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.