નવસારીની જીવાદોરી ગણાતી 3 મોટી નદીઓમાં પૂર, 3000 લોકોનું સ્થળાંતર કરાયું
Navsari Heavy Rain : ડાંગમાં અવિરત વરસાદે તારાજી સર્જી...ગિરિમથક સાપુતારા માર્ગ પર આવેલા ઘાટ વિસ્તારમાં ભેખડ ધસી પડતાં વાહન ચાલકોને હાલાકી...સાપુતારા ઘાટી માર્ગથી આંતર રાજ્ય મહારાષ્ટ્ર જવાનો માર્ગમાં ભેખડ ધસી પડતાં અવરોધ ઉભો થયો...
નવસારી :નવસારી જિલ્લાની ત્રણેય લોકમાતા અંબિકા, કાવેરી અને પૂર્ણામાં પૂરની સ્થિતિ બની ગઈ છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થાનાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની સાથે જ આજે પણ ઉપરવાસમાં વધુ વરસાદને જોતા અંબિકા નદીમાં જળસ્તર વધવાની સંભાવનાને જોતા જિલ્લા કલેક્ટર સહિતનું સમગ્ર તંત્ર ગણદેવી તાલુકામાં ગોઠવી દેવાયું છે.
નવસારી જિલ્લામાં બે NDRF ની ટીમ સ્ટેન્ડ બે રાખવામાં આવી છે, જેમાની એક હાલ વલસાડ છે, જે સાંજ સુધીમાં નવસારીમાં આવી પહોંચશે. તેમજ સ્થાનિક તરવૈયાઓ સાથે પણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મુલાકાત કરી પૂરની સ્થિતિમાં મદદરૂપ થવા સહકાર માંગ્યો છે. સાથે જ કલેક્ટરે જિલ્લાના લોકોને તંત્રને સહકાર આપવા અને અસરગ્રસ્ત વિસ્તારના લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રને સહયોગ આપવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો : નડિયાદ : વૃદ્ધાને ઊંઘમાં જ મળ્યુ મોત, વરસાદનું પાણી ક્યારે ઘરમાં ઘૂસ્યુ તે ખબર જ ન પડી
ઉલ્લેખનીય છે કે, આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ડાંગ, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે તો સુરત, તાપી, વડોદરા અને, ભરૂચ માટે પણ આગાહી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. ગુજરાતમાં અનરાધાર વરસાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચિંતિત બન્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતને તમામ મદદની ખાતરી આપી છે.