રાજુ રૂપારેલીયા, દ્વારકા: રાજ્યભરમાં આકરો ઉનાળો લોકો ને તપાવી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશ ને ગરમી ન લાગે તે માટે છેક અષાઢી બીજ સુધી રોજે રોજ પુષ્પોનો શ્રૃંગાર ભગવાનને કરવામાં આવી રહ્યો છે. અક્ષય તૃતીયાથી લઈને છેક અષાઢ સુદ એકમ સુધી બે માસ દરમિયાન દ્વારકાધીશ જગતમંદિરમાં રાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવીને લાડ લડાવવામાં આવે છે અને ભગવાનને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શ્રૃંગાર કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરરોજ બપોરે એક વાગ્યા થી પાંચ વાગ્યા સુધી પૂજારી પરિવાર દ્વારા બદામનાં પાંદડા ઓર ચમેલી , જુઈ , મોગરો , ગુલાબ સહિતનાં ફૂલોની કડીઓથી ભગવાનનાં વાઘા એટલે કે વસ્ત્રો બનાવવામાં આવે છે અને સાંજે ભગવાન રાજા ધીરજને આ પુષ્પનો શ્રૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે. સતત બે માસ સુધી ભગવાનને ભારે વસ્ત્રો અંગીકાર કરાતા નથી અને સોના ચાંદીનાં આભૂષણોને બદલે પુષ્પો નો શ્રૃંગાર અંગીકાર કરાવવા માં આવે છે. તદ ઉપરાંત ભગવાનને ગળામાં કંઠ પાટી મસ્તકનાં અલ્કાવડી , કાન માં કુંડળ , હાથ ના બાજુ બંધ , અને મસ્તક માં શીશ ફૂલ તથા ભગવાન ના પાર્શદો જેના શંખ , ચક્ર , ગદા અને પદ્મ પણ પુષ્પો થી બનાવવામાં આવે છે.


ભગવાન નાં શ્રૃંગાર માટે બેંગ્લોરનાં મલ્યાગીરીનું ચંદન ખાસ માંગવામાં આવ્યું છે. તેમજ દરરોજ તાજા ફૂલો ખંભાળિયા , જામનગર , રાજકોટ અને અમદાવાદથી મંગાવવામાં આવે છે. આ સાથે વિવિધ જાતના સુગંધિત દ્રવ્યો અને ચંદન નો લેપ લગાવ્યાં બાદ ભગવાન ને પુષ્પ શ્રૃંગાર કરવામાં આવે છે. સાથે સાથે ઉનાળામાં ભોગની વસ્તુઓમાં પણ ઋતુ અનુસાર ફેરફાર કરવામાં આવે છે. ત્યારે દ્વારકાના સ્થાનિક ભક્તો ઉપરાંત દૂર દૂર થી આવતા પ્રવાસીઓ આ પુષ્પ શ્રૃંગારના દર્શન નો અલભ્ય લાભ લઈ ને ધન્યતા અનુભવતા હોય છે.


જગત મંદિર માં ભગવાન દ્વારકાધીશને અષાઢી બીજ સુધી પુષ્પ શ્રૃંગાર થશે. ભગવાનને આભૂષણોને બદલે ગરમીથી બચાવવા ફૂલોનાં વસ્ત્રો અલંકારો ના શૃંગાર કરાય છે. રાજ્યના વિવિધ શહેરો માંથી વિવિધ જાતના ફૂલો મંગાવાય છે. દરરોજ બપોરે તાજા ફૂલોમાંથી શ્રૃંગાર તૈયાર કરી સાંજે પુષ્પ શૃંગાર કરાય છે. હાજરા હજૂર ભગવાનને પણ ગરમીથી બચાવવા પૂજારી દ્વારા પુષ્પ શૃંગારની અનોખી પરંપરા છે.