ડાયરા ગજવતા અને `રાણો રાણાની રીતે` ફેઈમ દેવાયત ખવડ પોલીસથી બચવા ભૂગર્ભમાં ઉતર્યા! ઘરે તાળાં, ફોન સ્વીચ ઑફ
ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ એક વખત ફરીથી વિવાદમાં સપડાયા છે. રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો.
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરાર થયા છે. મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યા બાદ દેવાયત ખાવડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે તપાસ કરતા દેવાયત ખાવડના ઘરે તાળા જોવા મળ્યા. તો બીજી તરફ મયુરસિંહ રાણા પર હુમલો થતા તેમના માતા સહિત ક્ષત્રિય સમાજના મહિલાઓએ પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરી છે. દેવાયત ખાવડની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરાઈ છે.
ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ એક વખત ફરીથી વિવાદમાં સપડાયા છે. રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જો પોલીસ તપાસમાં કાવતરું રચી હુમલો કર્યો હશે તો કાવતરાની કલમનો ઉમેરો થશે. ડાયરા ગજવતા દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ દેવાયત ખવડનું હથિયારનું લાઇસન્સ રદ્દ કરશે કે નહીં તે મોટો સવાલ ઉભો થયો છે.
શું છે સમગ્ર મામલો?
ફરી એક વખત દેવાયત ખવડ પોતાના કૃત્યના કારણે વિવાદમાં સપડાયા છે. દેવાયત ખવડ અને અન્ય બેક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા પર હુમલો કરવાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. રાજકોટ શહેરના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા જ્યારે પોતાની ઓફિસથી પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા, ત્યારે સ્વીફ્ટ કારમાંથી બે શખ્શો ઉતર્યા હતા અને તેમના દ્વારા મયુરસિંહને હાથ અને પગના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હતી.
કારમાંથી ઉતરનારા બંને વ્યક્તિઓના હાથમાં બેઝ બોલના ધોકા જેવી વસ્તુથી માર મારવામાં આવી રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં ફલિત થઈ રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આઇપીસીની કઈ કલમ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ આમને સામને આવી ચૂક્યા હતા. પાર્કિંગ મુદ્દે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ આમને સામને આવી ચૂક્યા હતા. જોકે જે તે સમયે પોલીસ દ્વારા સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો.