હિતલ પારેખ/ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામમાં માં વરદાઇનીમાંની પલ્લીમાં હજારો કિલો ઘી ચડાવવામાં આવે છે. જેમાં કેટલાક લોકો દ્વારા દેશી ઘીની જગ્યાએ હવે નકલી ઘી વેચવામાં આવી રહ્યું છે. પલ્લીના મેળામાં નકલી ઘી વેચનારા પર કાર્યવાહી થઇ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈ નકલી ઘી વેચનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.


આગામી 18 ઓક્ટોબરે પલ્લીનો મેળો યોજાવા જઇ રહ્યો છે અને આ મેળામાં મોટી માત્રામાં પલ્લીમાં દેશી ઘી ચઢાવવાની પરંપરા છે. અને આ સમયે દેશી ઘીના નામે નકલી ઘી વેચનારાઓની હાટડીઓ ખુલી જાય છે. ભેળસેળવાળું કે નકલી ઘી પધરાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષે પણ નકલી ઘી વેચનારાઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.