ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં ફૂડ પોઈઝનિંગના કિસ્સા વધી ગયા છે. હવે સુરતમાં એકસાથે 500 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાંથી 92 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સુરતના કતારગામમાં લગ્નના જમણવાર બાદ 92 લોકોને ફૂડ પોઇઝનિંગ થયુ હતું. તમામને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કતારગામ ઘનશ્યામ પાર્કમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. નિત્યાનંદ ફાર્મમાં આસરે 1500 લોકોએ ભોજન લીધું હતું. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ આમંત્રિત મહેમામોની તબિયત બગડવા લાગી હતી. ધીરે ધીરે કરતા 500 લોકો ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. ફૂડ પોઈઝનિંગ બાદ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. આ ઘટનાથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ હતું. 


લગ્નપ્રસંગમાં રાજ કેટરર્સને જમણવારનો ઓર્ડર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. લગ્નપ્રસંગમાં બહાર ગામથી આવેલા મહેમાનોની પણ તબિયત બગડી હતી. ત્યારે મનપાની આરોગ્ય વિભાગની ટીમે લગ્નપ્રસંગના સ્થળ પર જ જઈને તાત્કાલિક ઓપીડી શરૂ કરી હતી. આરોગ્ય અધિકારી સ્થળ પર દોડી ગયા હતા. ભોજન સમારંભમાં વાનગીઓના નમૂના લઈ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. 92 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું, જે પૈકી 42 લોકોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 


આ ઘટના અંગે મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યુ કે, આરોગ્યની ટીમ દ્વારા આ મામલે તપાસ કરાઈ રહી છે. જવાબદાર લોકો સામે પગલા લેવાશે. તંત્ર ખડેપગે સારવારની કામગીરીમાં લાગી ગયુ છે.