Vadodara Latest News મિતેશ માળી/પાદરા : વડોદરાના પાદરામાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 200 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેથી પાદરાનું આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. કલેક્ટર અને ધારાસભ્ય પણ મદદે દોડી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાદરામાં ફરી એકવાર ફૂડ પોઇઝનિંગની ઘટના બની હતી. રાયપુરા ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ભોજન જમ્યા પછી આશરે 200 થી 225 લોકોની તબિયત લથડી હતી. એકસાથે આટલા બધા લોકોની અચાનક તબિયત લથડતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. એક પછી એક લોકોની તબિયત લથડવા લાગતા ગ્રામજનોએ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. તો બીજી બાજુ, વધુ લોકોની તબિયત લથડતા 108 મારફતે આજુબાજુની સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ પણ ધમધમતુ થયુ હતું. તો હોસ્પિટલમાં કલેક્ટર અને ધારાસભ્યો મદદે દોડી આવ્યા હતા. 


કોના ઘરે હતો પ્રસંગ
પાદરાના પેટપરાના રાયપુરા ગામે બળવંતસિંહ મંગળસિહ પઢિયારના ઘરે લગ્નપ્રસંગ હતો. જેમા 3000 લોકોએ જમણવાર કર્યો હતો. જમણવાર બાદ અનેક લોકોને ઝાડા-ઉલટીની અસર થવા લાગી હતી. ધીરે ધીરે ફૂડ પોઈઝનિંગની અસર વધવા લાગી હતી, અને અસરગ્રસ્તોનો આંકડો 225 પર પહોંચી ગયો હતો. જેના બાદ જિલ્લા કલેક્ટર અતુલ ગોર, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણ સહિતનો સ્ટાફ મદદે દોડી ગયો હતો.



6 દિવસમાં બીજો બનાવ
ઉલ્લેખનીય છે કે, પાદરા એ ફૂડ પોઈઝનિંગનું સેન્ટર બની રહ્યુ હોય તેવુ લાગે છે. 6 દિવસ પહેલા જ પાદરાના ગોવિંદપુરા વિસ્તારના ધાર્મિક કાર્યક્રમમાં 123 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. પ્રસંગમાં ખીર ખાધા બાદ તમામને અસર થઈ હતી, અને તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.