ઠંડીમાં કેવી રીતે ભણશે ગુજરાત? ગુજરાતની આ શાળામાં છેલ્લાં 3 વર્ષથી બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર
આણંદ જિલ્લાના ઉમરેઠનાં ફતેપુરા ગામમાં પહોંચતા અહીંની પ્રાથમિક શાળામાં ઓરડાઓનાં અભાવે કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસાડી ભણાવવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?
ઝી બ્યુરો/આણંદ: રાજ્ય સરકાર દ્વારા રમસે ગુજરાત ભણશે ગુજરાતનાં સૂત્રો સાથે શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા કઈ અલગ છે. આણંદ જિલ્લાના ઉમરેઠનાં ફતેપુરા ગામમાં પહોંચતા અહીંની પ્રાથમિક શાળામાં ઓરડાઓનાં અભાવે કડકડતી ઠંડીમાં બહાર ખુલ્લામાં બેસાડી ભણાવવામાં આવતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?
જિલ્લાના ઉમરેઠના જાખલા પાસે ફતેપુરા પ્રાથમિક શાળાનાં જર્જરિત ઓરડાઓ નવા બનાવવા માટે તોડી પાડવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ થવા છતાં ઓરડાઓ નવા બનાવવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર બન્યા છે. આ કિસ્સામાં જ્યારે હકીકત જાણવા ટીમ પહોંચી તો શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મોકલી દીધા હતા અને માત્ર આજે જ વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા હતા અને વિદ્યાર્થીઓ યોગ કરવા બેઠા હતા ત્યારે બહાનાઓ શરૂ કરી દીધા હતા. જ્યારે અમે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકો સ્કૂલ બેગ લઈને બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હતા.
જ્યારે ગ્રામજનો દ્વારા શાળામાં ઓરડાઓનાં અભાવે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડી ભણાવવામાં આવતા હોવાનું જણાવ્યું હતું અને જો વહેલી તકે શાળાનાં નવા ઓરડા બનાવવામાં નહીં આવે તો બાળકોને શાળામાં નહિ મોકલી શાળા બંધ કરી દેવાની ચીમકી આપી હતી.