રક્ષિત પંડ્યા/રાજકોટ :છેલ્લા 25 દિવસથી વનરાજાએ રાજકોટમાં પોતાનો મુકામ કર્યો છે. વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની  વ્હારે આવવાની માંગ કરી છે. તો બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવાની શરૂઆત કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરધાર અને કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહોની જોડીએ ડેરા નાખ્યા છે. આ સિંહોની જોડીને આ વિસ્તાર અનુકૂળ આવી ગયો હોય તેમ અહીં સિંહ વિહાર કરી રહ્યા છે. જોકે સિંહના ડેરાથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખેડૂતોના મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વ્હારે આવે તેવી માંગ કરી છે અને જે પશુપાલકોના પશુઓનું મારણ થયું તેને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગ કરી છે.


બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સિંહને ખલેલ ન પહોંચે તે રીતે ખેડૂતોએ રાત્રિ સમયે કઇ રીતે ખેતરમાં જવું ખેતરમાં સિંહ હોય તો શું કરવું તેની રાત્રિ સભા અને પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે અને સોશ્યલ મીડિયા થકી પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ વિશે વન વિભાગ દ્વારા અનેક પોસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. 


વન વિભાગે આપેલી ટિપ્સ


  • ઘરની બહાર નીકળતા સમયે હાથમાં લાકડી રાખો

  • રાત્રે ખેતરમાં એકલા જવાનું ટાળો

  • રાત્રે બહાર ખુલ્લામાં સૂવુ નહિ

  • રાત્રિ દરમિયાન ખુલ્લામાં સૂતા હોવ અને લાઈટની વ્યવસ્થા ન હોય તો ફરજિયાત તાપણું સળગાવો

  • વહેલી સવારે, મોડી રાત્રે શૌચક્રિયા માટે એકલા જવું નહિ

  • પાલતૂ પ્રાણીઓને વાડામાં જ બાંધવા

  • સિંહે મારણ કર્યું હોય તે જગ્યા પર જવું નહિ

  • સામાન્ય સંજોગોમાં સિંહ ક્યારેય માણસો પર હુમલો કરતા નથી 

  • સિંહ ખેતરમાં કે રસ્તામાં સામે મળે તો તેને જવા માટે રસ્તો કરી આપવો, તે આપમેળે શાંતિથી જતો રહેશે 


મહત્વનું છે કે અગાઉ ખેડૂતો દ્વારા દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતો દિવસે ખેતીકામ કરવા જઇ શકે. ત્યારે હવે સિંહો માટે આ પસંદગીનો વિસ્તાર થતા હવે ગીરના ખેડૂતોની જેમ અહીંના ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ સમજાવી ભય દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની માંગ પણ સરકાર સ્વીકારે તે જરૂરી છે.