મયુર સાંધી/સુરેન્દ્રનગર :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દૂરંદેશીભર્યો નિર્ણય લીધો હતો અને ગુજરાતનાં દરેક જિલ્લામાં સાંસ્કૃતિક વનોનાં નિર્માણની શરૂઆત કરાવી હતી. રાજ્યનાં અલગ-અલગ જિલ્લામાં હરિયાળી વધારવા અને ગ્રીન કવર વધારવા આ અભિયાન શરૂ કરાવ્યુ હતું. તેમજ આ સાંસ્કૃતિક વનોનાં નિર્માણનો હેતુ શહેર-જિલ્લાનાં લોકોને હરવા-ફરવાનું એક સ્થળ મળી રહે તે ઉપરાંત ઔષધીય સહિત વિવિધ પ્રકારની ઉપયોગિતા ધરાવતા વૃક્ષોનું સંવર્ધન અને તેમની ઉપયોગિતા વિશે મહત્તમ લોકોને જાણકારી મળે તે પણ હતું. પરંતુ લાગે છે કે, વન વિભાગ પ્રધાનમંત્રીના આ અભિયાનનો અર્થ ન સમજ્યા, અને પ્રકૃતિને બદલે પ્લાસ્ટિકનો પ્રચાર કર્યો. વન વિભાગનું કામ જ્યાં હરિયાળી સર્જવાનુ છે, ત્યાં સુરેન્દ્રનગરમાં નવા બનેલા વટેશ્વર વનમાં પ્લાસ્ટિકની લોન પાથરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગરમાં 12 તારીખ ના રોજ શહેરમાં આવેલા વટેશ્વર વનને ખુલ્લું મુકવામાં આવશે. જે પીએમ મોદીના સપનાને સાકાર કરતો પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવીને તેને લોકો માટે ખુલ્લો મૂકશે. સુરેન્દ્રનગર શહેરમાં આવું કોઈ પણ ફરવા લાયક સ્થળ ન હતું, ત્યારે આ સ્થળ બનતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પરંતુ કોઈ કલ્પના પણ ન કરી શકે કે વન વિભાગ પ્લાસ્ટિકનો પ્રચાર કરી શકે.વટેશ્વર વનમાં જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યુ છે, તેના પર પ્લાસ્ટિક સીટમાંથી બનાવેલ કુત્રિમ ઘાસ પાથરવામાં આવ્યુ છે. જે બતાવે છે કે, વન વિભાગ ઘાસ ઉગાડવામાં કેટલુ નિષ્ફળ રહ્યું છે. 



વન વિભાગની આળસ કહો કે અજ્ઞાન, પરંતુ આ રીતે પ્લાસ્ટિક ઘાસ પાથરીને વનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો કેટલું શોભા દે. એક તરફ જ્યાં હરિત ક્રાંતિ લાવવાના હેતુથી આ વન ઉભુ કરવામાં આવ્યુ છે, લોકોને પ્લાસ્ટિક મુક્ત દુનિયા બનાવવાની સલાહ આપે છે, ત્યારે પ્લાસ્ટિકનું ઘાસ કેમ. શું વન વિભાગના અધિકારીઓ પાસે એટલો પણ સમય ન હતો કે અહી ઘાસ ઉગાડી શકે, કે તેઓ અહી ઘાસ ઉગાડવાનું જ ભૂલી ગયા, કે પછી ઘાસ ઉગાડ્યા બાદ તેઓને જાળવણી કરવામાં આળસ આવતો હોય શકે. 


વન વિભાગ દ્વારા ભલે કરોડોના ખર્ચે વટેશ્વર વન બનાવવામાં આવ્યું હોય, પરંતુ આ એ વન તો નથી જ, જેની કલ્પના પીએમ મોદીએ ગુજરાત માટે કરી હતી. 



શું છે વટકેશ્વર વન
સુરેન્દ્રનગર ખાતે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 10 કરોડનાં ખર્ચે ‘વટેશ્વર વન’ બનાવવામાં આવ્યુ છે. દુધરેજ વડવાળા મંદિરના પ્રાંગણમાં વટેશ્વર વન નિર્માણ પામ્યુ છે. આ સાંસ્કૃતિક વન આગામી પેઢીને પર્યાવરણ અને વૃક્ષોનાં મહત્વ વિશે શિક્ષણ આપવાનું ઉત્તમ માધ્યમ બની રહેશે. વૃક્ષોની સંખ્યા વધારવા માટે આ સાંસ્કૃતિક વનોનું નિર્માણ એક આગવી પહેલ છે.