વન વિભાગનું `નમો વડ વન` નિર્માણ અભિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવી રાજ્યવ્યાપી શરૂઆત
`નમો વડ વન` અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું `નમો વડ વન` નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે
હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની આઝાદીના 75 વર્ષ અવસરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચે ગુજરાતમાં એક ઉદાહરણ રૂપ અને દેશને માર્ગદર્શક અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના ‘નમો વડ વન’ રાજ્યમાં ઉભા કરવાના પર્યાવરણ પ્રિય હેતુસર મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને આ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત કરાવી હતી.
'નમો વડ વન' અન્વયે રાજ્યના 33 જિલ્લાઓમાં 75 વડ વન સ્થપાશે અને પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ કરશે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ –આઝાદીના 75માં વર્ષે વન વિભાગનું 'નમો વડ વન' નિર્માણ અભિયાન રાજ્યમાં વટવૃક્ષની પૌરાણિક અને ઐતિહાસિક મહત્તા પુન: પ્રસ્થાપિત કરશે. એટલુજ નહિ, ગ્રીન કવર વધારવાના રાજ્ય સરકારના અભિગમને પણ વેગ આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો વડ વન’ના વાવેતર કાર્યક્રમમાં 33 જિલ્લના 75 સ્થળોએ સહભાગી થયેલા નાગરિકો અને વન પ્રેમીઓને ‘બાયસેગ’ના માધ્યમથી પ્રેરક સંદેશ આપ્યો અને સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં આપણે વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ અલગ સ્થળોએ વનો ઊભા કર્યા છે. વન મહોત્સવો દ્વારા વધુને વધુ વૃક્ષારોપણથી ગ્રીન કવર વધારવાનો માર્ગ અપનાવ્યો છે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2021 ના અહેવાલ મુજબ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં 6900 હેકટરનો વધારો થયો છે. રાજ્યમાં 2003 માં વન વિસ્તાર બહાર અંદાજે 25.10 કરોડ વૃક્ષો હતા, તે વધીને હવે 2021 ની વૃક્ષ ગણતરી મુજબ 39.75 કરોડ વૃક્ષો થયા છે. પૃથ્વી ઉપર સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જેના પર નિર્ભર છે, તેવા વૃક્ષો, વનો અને વનસ્પતિઓનું જતન-સંવર્ધનની પ્રથા આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે.
રાજ્યમાં અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી લોકોને મળશે રાહત? જાણો શું કહ્યું હવામાન વિભાગે
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વન વિસ્તારમાં વસતા વનબાંધવોના જીવનનો આર્થિક આધાર વન્ય પેદાશો છે. આપણે એ વનબંધુઓને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, વનબંધુઓની આર્થિક આત્મનિર્ભરતા માટે ગૌણવન પેદાશના વેચાણ હક્કો પેસા એક્ટ અન્વયે સ્થાનિક આદિજાતિઓને આપ્યા છે. એટલું જ નહીં વનક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા 30 થી 35 લાખ વાંસના વેચાણથી પણ વનબંધુઓને આજીવિકા મળી છે.
રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં બામ્બુ મિશન યોજના હેઠળ, 5891 હેક્ટરમાં વાંસના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા રૂપિયા 20 કરોડની જોગવાઇ કરી છે. સેંકડો વર્ષો સુધી જીવંત રહેતા વડના વૃક્ષની જેમ સરકારના વિકાસ કામો પણ દીર્ઘકાલીન અને સસ્ટેનેબલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે વિકાસ કામોના બીજ રોપ્યા હતા તે હવે વિકાસના વટવૃક્ષ બની કરોડો નાગરિકોને સુશાસનની આગવી સુખ સુવિધાઓ આપી રહ્યા છે તેમ પણ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
જામનગરમાં અચાનક એક પરિવારના 5 સભ્યો લાપતા, ગુમ થયાનું કારણ અકબંધ; પોલીસે તપાસ હાથ ધરી
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વૃક્ષો-વનો પર્યાવરણની સુરક્ષા કરે છે, સાથોસાથ સ્વચ્છ વાયુ, નિર્મળ જળ, સ્વસ્થ જીવન માટે ઉપકારક છે. આપણે વધુ સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન માટે પ્રકૃતિના જતન, સંવર્ધન સાથે પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતર મુક્ત ખેતી તરફ વળવું પડશે એવો આગ્રહ ભર્યો અનુરોધ તેમણે કર્યો હતો. 'નમો વડ વન'ના વડવૃક્ષ વાવેતર પ્રારંભ પ્રસંગે વન મંત્રી કિરીટસિંહ રાણા, વન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર, વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ દિનેશ શર્મા તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક રામકુમાર અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube