`કોંગ્રેસનો કોઈને ડર નથી, આપણાં જ આપણને નડે છે..., પૂર્વ કેબિનેટ મંત્રીનું દુ:ખ છલકાયું
પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે પોતાના વ્યક્તવ્યમાં ચુંટણી ટાણે જ વિકાસ કાર્યોનો વિરોધ કરતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને આડે હાથ લેવા ગયા અને વિધાનસભામાં હારનું દુઃખ છલકાયું હતું. વાંસદામાં કોંગ્રેસનો ડર નથી, પણ જ્યારે આપણા જ આપણને નડે ત્યારે અફસોસ થાય છે.
ધવલ પારેખ/નવસારી: વાંસદા વિધાનસભા જીતવાનું ભાજપ માટે ચેલેન્જ રૂપ હતું અને ભાજપે પૂરી તાકાત વાંસદામાં લગાવી હોવા છતાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે વાંસદા વિધાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્યએ વાંસદામાં કોંગ્રેસ નડતી નથી, પણ આપણાં જ આપણને નડે છે...કહી વાંસદામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાની વ્યથા ઠાલવી હતી. જ્યારે નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાંસદા વિધાનસભામાંથી લોકસભા ચુંટણીમાં 75 હજારની લીડ મળે એ દિશામાં મંડી પડવા હાંકલ કરી હતી.
વાંસદા વિધાનસભા બેઠક હારતા હોવાની પણ વ્યથા ઠાલવી
નવા વર્ષમાં ભાજપ કાર્યકર્તાઓનો સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજે છે. પરંતુ આ વર્ષનો સ્નેહ મિલન કાર્યક્ર્મ શુભેચ્છાઓ સાથે ચુંટણી જંગમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટેનો પણ બની રહ્યો છે. આજે વલસાડ લોકસભા અંતર્ગત આવતી નવસારીની વાંસદા વિધાનસભાના ભાજપી કાર્યકરોનો સ્નેહ મિલન કાર્યક્ર્મ રાજ્યના કેબીનેટ મંત્રી અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં તમામ નેતાઓએ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા આપી, લોકસભા ચુંટણીમાં વાંસદામાંથી 30 થી 75 હજાર મતોની લીડ અપાવવા હાંકલ કરી હતી. પરંતુ તેની સાથે જ વર્ષોથી વાંસદા વિધાનસભા બેઠક હારતા હોવાની પણ વ્યથા ઠાલવી હતી.
લોકસભા ચુંટણીમાં એક થઈ કોંગ્રેસને જવાબ અપાવા હાંકલ કરી
ખાસ કરીને ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી નરેશ પટેલે પોતાના વ્યક્તવ્યમાં ચુંટણી ટાણે જ વિકાસ કાર્યોનો વિરોધ કરતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલને આડે હાથ લેવા ગયા અને વિધાનસભામાં હારનું દુઃખ છલકાયું હતું. વાંસદામાં કોંગ્રેસનો ડર નથી, પણ જ્યારે આપણા જ આપણને નડે ત્યારે અફસોસ થાય છે. કહીને કાર્યકર્તાઓને લોકસભા ચુંટણીમાં એક થઈ કોંગ્રેસને જવાબ અપાવા હાંકલ કરી હતી.
લોકસભામાં 5 લાખથી વધુની લીડ અપાવવા કાર્યકર્તાઓને અત્યારથી જ મંડી પડવા હિંમત આપી
જ્યારે નાણાં મંત્રી કનુ દેસાઈએ પણ વાંસદા તાલુકા પંચાયત જીત્યા તો બેસવાની જગ્યા થઈ હોવાની વાત સાથે કાર્યકરોનો આભાર માન્યો હતો. સાથે જ વિધાનસભા હાર્યાના દુઃખ સાથે આગામી લોકસભામાં 75 હજારની લીડ અપાવી વલસાડ લોકસભામાં 5 લાખથી વધુની લીડ અપાવવા કાર્યકર્તાઓને અત્યારથી જ મંડી પડવા હિંમત આપી હતી.