`મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી શરત હશે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે`
શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ ચાલી રહ્યા છે. મારે કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલુ છે. છેલ્લા 27 વર્ષથી એક પક્ષનું સાશન છે, પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી.
ઝી ન્યૂઝ/ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી એકવાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રીય થયા છે. આજે તેમને રાજકારણમાં જોડાવા મુદ્દે મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાના સંકેતો પણ આપી દીધા છે. બાપુએ કોંગ્રેસ સાથે ચર્ચા ચાલું હોવાનો પણ દાવો કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા માટે એક શરત પણ રાખી દીધી છે. તેમણે ગુજરાતમાં દારૂબંધી હટાવવાની શરત મૂકી છે.
દારૂબંધીને લઈને શંકરસિંહનું નિવેદન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી કાઢી નાખવી જોઈએ. સરકાર દારૂબંધીની છૂટ આપવી જોઈએ, અને દારૂની આવક જે થાય તે ગુજરાત રાજ્યના શિક્ષણ અને આરોગ્યમાં વાપરવા જોઈએ, ગુજરાતમાં દારુ બંધ કરાવવા જતા હવે યુવાનો ડ્રગ્સ તરફ આગળ વધી રહ્યા છે જેથી ઉડતા ગુજરાત બની રહ્યું છે. આ દારૂબંધી આખી વિધાનસભાના હાથમાં છે. દારૂબંધીના નાટકનો હું વિરોધી છું. એટલે માનો કે મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી શરત હશે કે વિધાનસભાના સભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે. મને હાઇકમાન્ડ એવું કહે કે ધારાસભ્યો નક્કી કરે તો વાંધો ન હોઇ શકે, પણ કુલડીમાં ગોળ ભાંગવાના મતનો હું નથી. ભાજપ શાસિત રાજ્યોમા દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં દારૂબંધી શક્ય નથી. જો હું કોંગ્રેસ પક્ષમાં જાવ તો હું તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવીશ.
ગુજરાતમાં નેતાગીરીના ક્રાંઈસીસ છે: શંકરસિંહ
શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરીના ક્રાંઈસીસ ચાલી રહ્યા છે. મારે કોંગ્રેસના મિત્રો સાથે વાત ચાલુ છે. છેલ્લા 27 વર્ષથી એક પક્ષનું સાશન છે, પરંતુ કોઈ અધિકારી સક્રિય નથી. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી, પરંતુ એહમદ પટેલના મૃત્યુ પછી લોંચિંગ થયું નથી.
કેમિકલકાંડ વિશે શંકરસિંહનું નિવેદન
શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં બનેલા કેમિકલકાંડ વિશે જણાવ્યું હતું કે, રાજ્યમાં લઠ્ઠાકાંડ થયો છે, સરકારની મીઠી નજર હેઠળ દારૃની હાટડીઓ ચાલે છે. પોલીસને સસ્પેન્ડ કરવાથી સંતોષ ન માનવો જોઈએ, પરંતુ સરકારે સ્વૈચ્છિક પોતાનું રાજીનામુ આપવું જોઇએ. સત્તા પક્ષના લોકો દારૂ પીવે ત્યાં દારૂબંધી ન થઈ શકે. સરકારને દારૂબંધી કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે, નશાબંધીની નીતી સફળ ન થાય એના અનેક કારણો છે. જે પક્ષના પ્રમુખ બુટલેગર હોય ત્યાં દારૂબંધી શક્ય નથી. નશાબંધી અને આબકારી ખાતું મારા શાસનમાં હતું.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપ કરે એ લીલા, બીજા કરે તે શીલા...દરેક લોકોના ખાતામાં 15 લાખ આપવાની વાત તો નરેન્દ્ર મોદીએ કરી હતી. પરંતુ આજ સુધી કોઈના ખાતામાં આવ્યા નથી. ચૂંટણી પંચ પોપટ છે અને ચૂંટણી પંચે જાતે નિયમો બનાવવા જોઈએ. મતની લાલચમાં ન નીકળાય.
મફતની રેવડી બાબતે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
મફતની રેવડી બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 40 હજાર કરોડની આવક રાજ્યને થઈ શકે તેમ છે. લાખો કરોડોનું ડ્રગ્સ ગુજરાતમા પકડાય છે. હાલ ગુજરાતમાં ૫૦ લાખ યુવાનો બેકાર છે.
કોંગ્રેસમાં જોડાવવા અંગે શંકરસિંહની પ્રતિક્રિયા
શંકર સિંહ વાઘેલા વધુમાં જણાવ્યું હતું કે, કોરોના પહેલા તેઓ પોતાનો નવો પક્ષ રચવાના હતા, પરંતુ તે સમયે એહમદ પટેલ તેમને પુન: કોંગ્રેસ પક્ષમાં જોડાવવાની વાત કરી હતી. જેના પગલે તેમના આગ્રહ પર કોંગ્રેસ પક્ષ સાથે જોડાવવા માટેની વિચારણા હાથ ધરી હતી. પરંતુ અહેમદ પટેલને કોરોના થયા બાદ તેમનું નિધન થયું હતું. જેથી આ મામલે વિચારણા પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ તેમના નિવાસસ્થાને તેમન ટેકેદારો સાથેની એક મહત્વ બેઠક બોલાવી હતી, આ બેઠકમાં શંકરસિંહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેવા પ્રકારની કામગ્રીરી કરવી તે મામલે ચર્ચા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube