`દારૂબંધી નીતિ દંભી, છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો`: પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન
હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના પાટણનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવનમાં છૂટ આપવામાં આવી છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનું આ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે દારૂબંધીની નીતિ દંભી છે. છૂટ આપવી હોય તો સમગ્ર ગુજરાતમાં આપો. ગાંધીજી પછી સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ છુટ આપો.
તેમણે ઉમેર્યું હતું કે, મારો વિચાર ગિફ્ટ સીટીમાં પત્રકારોને મળવાનો વિચાર હતો. ગાંધીજી, સરદાર અને રવિ શંકરના ગુજરાતમાં પ્રજાને આંનદ થયો હશે. સરકાર આટલા વર્ષે હિંમત કરી તે માટે તેમને અભિનંદન. આ નીતિ દંભી નીતિ છે. કૃત્રિમ દિવ, દમણ, આબુ, દાહોદ બોર્ડર પર ખુલ્લેઆમ દારૂ મળે અને રાજ્યમાં કડક રાખો એ વ્યાજબી નથી. ગાંધીનગર બાદ હવે કેવડિયા ખાતે પરમીટ આપશે. હું સરકારને આગ્રહ કરીશ ધીમે ધીમે આખા રાજ્યમાં શરૂ કરે. હવે ધોલેરા, નળા બેટ, કચ્છ, ગીર ખાતે શરૂ કરો. સારી પોલિસી શરૂ કરો. યુવા ધન ન વેડફાય, ડ્રગ્સ કરતા દારૂ સારું, ડ્રગ્સના રવાડે રહેલો યુવાન પરત લાવી ન શકાય પરતું દારૂ પિતાને પરત લાવે.
ગુજરાતમાં સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી
શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, હું એટલા માટે આગ્રહ કરું છું કે હું પોતે પીતો નથી. કોઇ પીવે એ મને ગમતું નથી. આ નકામું છે તો પણ ચાલુ જ છે. માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ના આપો. દારૂની છૂટ આપશો તો સારો દારૂ પીવાશે. સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી. છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપો.
આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ચારેય બાજુ દારુ મળે અને ગુજરાતમાં ટાઇટ કરો તે ખોટું. આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો. આદિવાસી વિસ્તારમાં બેકાર યુવાનો મહુડાનું ચલણ કરવું જોઈએ, રોજગારી મળે. નશાના વિરોધી અને નશાના તરફેણના લોકોને બોલાવીને નીતિ બનાવી જોઇએ. તેનાથી ગુજરાતમાં આવક થશે. પોરબંદર, વડનગર અને કરમસદમાં પણ મંજૂરી આપો. ભૂતકાળમાં કોમ્યુનાલ રાઇટ્સ થયા છે અને લઠ્ઠાકાંડ પણ થયા છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું માત્ર અમિર લોકોને દારૂની છૂટ ના આપો. ચોરીથી દારુ પીવો એના કરતા છૂટથી પીવાની પરમિશન આપો. દારુની છૂટથી વેપાર વધશે એ નીતિ ખોટી છે. ગુજરાતમાં દારુ મળતો નથી એટલે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. જેને પીવો છે તેને સારો દારુ મળે તેવી વ્યવસ્થા કરો. ગુજરાતથી બહાર લગ્ન કરવા જાય છે તેની પાછળ દારૂબંધી પણ એક કારણ છે. ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોવ તો દારૂબંધી હટાવી લેવી જોઈએ.