ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે પૂર્વ CM વિજય રૂપાણીએ કોંગ્રેસને મોકલી નોટિસ, કહ્યું, `15 દિવસમાં જવાબ આપો નહીં તો...
કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પર કરાયેલા 500 કરોડના આક્ષેપના કેસમાં વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે આજે વકીલ મારફતે કોંગ્રેસને નોટિસ મોકલી છે. અને 15 દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરવાનું જણાવ્યું છે.
ગૌરવ પટેલ /અમદાવાદ: રાજકોટની ભાગોળે આવેલી કરોડોની જમીન મામલે ફરી રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. 500 કરોડ જમીન કૌભાંડના આરોપના મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને કાનૂની નોટિસ મોકલી છે, અને કહ્યું છે કે, 15 દિવસમાં લેખિતમાં માફી માગે અને આરોપ પરત ખેંચે નહિ તો બદનક્ષીનો કેસ કરાશે. કોંગ્રેસના નેતાઓ ખુલાસો નહિ કરે તો બદનક્ષીનો દાવો કરાશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમેરિકાના પ્રવાસ બાદ ગત રાત્રે ભારત પરત ફર્યા છે. ત્યારે આજે તેઓએ વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર કોંગ્રેસના દંડક સી.જે.ચાવડાને એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત બદનક્ષી બદલ કાનૂની નોટિસ આપી છે. 22 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ મારફત 500 કરોડની જમીન કૌભાંડ અંગે આરોપ મૂક્યો હતો. આ બાબતે નોટિસ આપી છે અને જણાવ્યું છે કે આ ખોટા આરોપોથી પ્રતિષ્ઠાને મોટું નુકશાન થયેલ છે તેથી 15 દિવસની અંદર લેખિતમાં માફી માંગે અને તમામ આરોપ પરત ખેંચી લે, અને લેખિત માફી તમામ મીડિયાને મોકલી આપે નહિ તો કોર્ટમાં કેસ કરાશે. આજે વિજયભાઇ રૂપાણીના વકીલ અંશ ભારદ્વાજએ પ્રેસ કોફ્રન્સ કરી હતી.
નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા 500 કરોડનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ મુદ્દે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરૂ છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે. ત્યારબાદ આજે આ વિશે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube