પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે BJPમાંથી આપ્યું રાજીનામું, પત્ર લખીને ઠાલવી વેદના
Gujarat, Election 2022: ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો..
ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હતા. થોડા દિવસ પહેલાં જ 29 ઓક્ટોબરે જયનારાયણ વ્યાસ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. હવે જયનારાયણ વ્યાસ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે ચર્ચા તેજ બની છે. જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાશે કે આપમાં? તે અંગે ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે જયનારાયણ વ્યાસે એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ભાજપને રામ રામ કહેનારા જયનારાયણ વ્યાસે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે પાટણ જિલ્લા ભાજપથી કંટાળી રાજીનામું આપ્યુ છે. મારી પાસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ બે માર્ગ ખુલ્લા છે.
પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, મેં 32 વર્ષ બીજેપી સાથે ગાળ્યા છે. મને ભાજપ સાથે કોઇ વાંધો નથી. પરંતુ જિલ્લામાં એક તરફી ચાલવાના વલણથી હું નારાજ છું. મેં અગાઉ પણ સીઆર પાટીલને વાત કરી તો તેમણે સમુ સુથરૂ કર્યુ. દર વખતે પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મને કાયમી ફરિયાદી બનાવ્યો છે. આજે હું કાર્યકરો અને સમર્થકો સાથે વાત કરી નિર્ણય કરીશ.
જયનારાયણ વ્યાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું ચુંટણી લડીશ. સિધ્ધપુરના ગરીબ લોકો માટે કામ કરવા રાજકારણમાં આવ્યો છું. મારા માટે કોંગ્રેસ અને આપ બન્નેમાં દ્વાર ખુલ્લા છે. દરેક પાર્ટીના નેતાઓ મારે ત્યાં આવે છે. કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીઓમાં જવાના મારી પાસે ઓપ્શન છે. પાટણ જિલ્લા ભાજપ પર ચાર પાંચ લોકો કબજો જમાવીને બેઠા છે. જે પાર્ટીને આગળ વધારવાનું નહી પણ ટાંટીયા ખેંચનુ કામ કરે છે.
મહત્વનું છે કે, ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે. જયનારાયણ વ્યાસે સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો.. પરંતુ તેમની ટિકિટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા. જોકે શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થઈ હતી..જે બાદ મોડી રાતે જ જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપ્યાની વાત વહેતી થઈ હતી..
અગાઉ જય નારાયણ વ્યાસ અશોક ગેહલોતને મળ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળવા પહોંચ્યા હતા, ત્યારે અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી. ચૂંટણી પહેલાં અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની આ સૂચક મુલાકાત ગણવામાં આવતી હતી. આ સાથે ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. એટલે કે પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. અમદાવાદ સર્કિટ હાઉસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે જય નારાયણ વ્યાસે મુલાકાત કરી હતી. જય નારાયણ વ્યાસ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી હતી.
આ ચર્ચાઓ બાદ જયનારાયણ વ્યાસે ZEE 24 kalak સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. મેં આ અંગે સરકારને અગાઉ પણ રજુઆત કરી હતી. હું મૂર્ખ નથી કે રાજસ્થાનના સીએમને સર્કિટ હાઉસ મળવા જઉ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અશોક ગેહલોતને મળવા જવાનો અર્થ એ નથી કે હું કોંગ્રેસમાં જવાનો છું. બે દિવસ પહેલા જ મેં સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે. મારા 80% કાર્યકર્તાઓનો મને સપોર્ટ કરે છે પછી ક્યાં જવું એ મારા કાર્યકર્તાઓ નક્કી કરશે. મારે સિદ્ધપુરથી ચૂંટણી લડવી છે. બીજે ક્યાંયથી લડવાનો કોઈ મતલબ નથી.
કોણ છે જય નારાયણ વ્યાસ?
- જયનારાયણ ભાજપના સંકટમોચક રહ્યા..
- કેશુભાઈ પટેલ-નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા...
- 2007થી 2012 સુધી મંત્રી તરીકે ફરજ બજાવી...
- ટીવી ડિબેટમાં સરકાર વતી ધારદાર દલીલો કરતા...
- 2012માં પરાજય પછી જયનારાયણ વ્યાસ હાંસિયામાં ધકેલાયા...
- વિજય રૂપાણીની સરકારમાં સાઈડલાઈન થવા લાગ્યા..
- સિદ્ધપુર બેઠક પરથી 4 વખત જીત મેળવી.
સિદ્ધપુર બેઠકનો ઈતિહાસ
- બેઠક પર અત્યાર સુધી ભાજપનો માત્ર 4 વખત વિજય...
- કોંગ્રેસ સિદ્ધપુર બેઠક પર 7 વખત મેળવી ચૂકી છે જીત...
- છેલ્લી 5 ચૂંટણીમાં ભાજપે 2 વખત જીત મેળવી..
- છેલ્લી 5 ચૂંટણીમાં કોંગ્રેસે 3 વખત જીત મેળવી...
- છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવારની થઈ રહી છે જીત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube