ઝી બ્યુરો/ભાવનગર: પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે અંગેની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં ખળભળાટ મચી ગઈ છે. વિભાવરીબેન દવેના પુત્ર જાબાલ દવે એ પાડોશીના મકાનના કાચ ફોડ્યા હોવાની વાત સામે આવી છે. રમી રહેલા બાળકો દ્વારા પાણી ભરેલો ફુગ્ગો વિભાવરીબેન દવેના કમ્પાઉન્ડમાં પડતાં બબાલ થઈ હતી. ફુગ્ગો કમ્પાઉન્ડમાં પડતાં ઉશ્કેરાયેલા પાડોશીઓ સાથે જાબાલ દવે એ જીભાજોડી કરી હતી. ભાજપના ક્ષત્રિય આગેવાનના ઘર પર પથ્થરોના ઘા કર્યા અને બારીના કાચ ફોડી નાખ્યા છે. આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમજ શહેર ભાજપમા ચર્ચાનો મોટો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટનાની વિગત મુજબ ભાવનગર શહેર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિભાવરી દવે ની બાજુમાં રહેતા અને શહેર ભાજપ ના આગેવાન એવા કૃષ્ણદેવસિંહ ગોહિલ ના ઘરમાં બાળકોની નજીવી બાબતે પૂર્વ મંત્રી ના પુત્રએ પથ્થરમારો કરતા કૃષ્ણદેવસિંહ દ્વારા સમગ્ર ઘટના સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર મુકતા અને ફોટા અને પૂર્વ મંત્રી વિશેના લખાણ સાથે ની પોસ્ટ સમગ્ર ભાજપના ગ્રુપો માં મુકતા શહેર માં અને ભાવનગર ભાજપ માં વિભાવરી દવે વિશે ના વર્તન અને દાદાગીરી ની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામેલ છે.



બીજી બાજુ દીકરાને સમજાવવાને બદલે પૂર્વ ધારાસભ્યએ માન મર્યાદા છોડી દીકરાને સાથ આપી પાડોશીઓ સાથે હુંસાતુંસી કરી હતી. માતા પુત્રના ત્રાસને લઈને વિભાવરીબેન દવેના પાડોશી અને ભાજપના આગેવાન કાર્યકરે ફેસબુકમાં પોસ્ટ વાયરલ કરી હતી. પોસ્ટમાં વિભાવરીબેન દવેના કાર્યકાળ દરમ્યાન થયેલા કારનામાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 


પોસ્ટ આ  મુજબ છે.
મા. સુ.શ્રી વિભાવરીબેન દવેના 40 વર્ષીય પુત્ર જાબાલ દવેએ મારા ઘર પર પથ્થરોના ઘા કર્યા અને બારીના કાચ ફોડી નાખ્યા કારણ, – મારા છઠ્ઠા ધોરણમાં ભણતા નાના દીકરાના ભાઈબંધથી રમતા રમતા ભૂલથી એના ફળીયામાં પાણી ભરેલો ફુગ્ગો ફેંકાય ગયો.


આ વાત મારે સોશિયલ મીડિયામાં મુકવી કે પોલીસ ફરિયાદ કરવી? આમ તો બેન કે એમના દીકરા ને આવી ઓછપ ના આવે પરંતુ મને ચોક્કસ આવે કારણ કે હું બિઝનેસમેન, રાજકીય રીતે પાર્ટીનો જવાબદાર કાર્યકર અને સમજેલો અને ભણેલો ગણેલો છું. પણ તો પછી આવી દુર્ઘટનાની અને ત્યારબાદ બેફામ રીતે તું, તાં કરીને અને જોઈ લઈશ, થાય તે કરી લે જે, હજુ વધુ ઘા આવશે આવી ધમકીભરી અને હોદ્દાને તદ્દન ના શોભે તેવી જીભાજોડી મારા પરિવાર સાથે કરી એનો સબક મારે કેમ શિખડાવવો.


બીજી પોસ્ટ આ મુજબ છે.
આજે તમામ હદ વટી ગઈ એટલે ના છૂટકે આ લખવું પડે છે…મન માં થોડી એવી વાત પણ આવે છે કે લોકો કહેશે એ તો એવાજ છે તમે તો સમજુ છો ને! પણ આ વખતે મર્યાદા તૂટી છે, મારા ઘરના મેમ્બરો ને નુકશાન થયું છે, મારા બાળકો ને પથ્થર વાગતા રહી ગયો છે, મારા ઘરના કાચ ફૂટ્યા છે અને સૌથી વધુ અમારા સ્વમાન પર ઘા થયો છે અને સહન ન થાય તેવા શબ્દો સાંભળવા પડ્યા છે.