ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ ગુજરાત ભાજપનો આંતરિક વિવાદ એક પછી એક કરીને બહાર આવી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડાના વિવાદને હજું કળ વળી નથી ત્યાં અમરેલી ભાજપનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી ફોનમાં કોઈને કોંગ્રેસને મત આપવા માટે હાંકલ કરી રહ્યા છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં નેતાઓની યાદવાસ્થળીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી આ વાયરલ વીડિયોમાં કહી રહ્યા છે કે પંજામાં મત નાખીને કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેનને જીતાડવાનાં છે. એટલે કે સરેઆમ ભાજપના ધારાસભ્ય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારનો આ વીડિયો છે. એટલે કે લોકસભાની ચૂંટણીમાં અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને હરાવવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી પણ મેદાને પડ્યા હતા. 



ભાજપના જ પૂર્વ MLA કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. જૂનાગઢમાં જવાહર ચાવડાનો ભાજપ સામે નારાજગીનો વિવાદ શમ્યો નથી ત્યાં તો અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી વીડિયોમાં કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પછી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એ જોવાનું છે આપણે. તેઓ કહી રહ્યા છે કે ભાજપમાં હવે કંઈ લેવા જેવું રહ્યું નથી. 


કાળુ વીરાણી જણાવી રહ્યાં છે કે, આ ચૂંટણી મહત્વની છે અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આ વખતે પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે. તમને જણાવી દઈએ કે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની સામે મત આપવાનું વીરાણી કહી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમરેલીથી 3 લાખ 21 હજારની લીડથી ભરત સુતરિયા જીત્યા છે. કાળુભાઈ વીરાણીએ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ ભાજપમાંથી જીત્યા હતા. સાવરકુંડલા બેઠકથી 3 વાર જીતેલા પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


મનસુખ માંડવિયાએ પર કટાક્ષ કર્યો
મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર પણ કટાક્ષ કર્યો હતો. એક કાર્યક્રમમાં નામ લીધા વિના મનસુખ માંડવિયાએ રિસાયેલા આગેવાનો મામલે કટાક્ષ કર્યો હતો. ત્યારે જવાહર ચાવડાએ આજે મનસુખ માંડવિયાના એ નિવેદનનો જવાબ આપ્યો હોવાનું માનવામાં આવે છે જે તેમણે એક અઠવાડિયા પહેલા નામ લીધા વિના આપ્યું હતું. પોરબંદર લોકસભા પર જીત બાદ મનસુખ માંડવિયા મતવિસ્તારમાં મતદાતાઓને આભાર માનવા માટે ગયા હતા. ત્યારે એક સમારંભમાં તેમણે નામ લીધા વિના કહ્યું હતું કે. જે નેતાઓ પોતાના નામ પાછળ ભાજપ લગાવતા હોય તેઓએ ભાજપનું કામ કરવું જોઈએ. છતા કેટલાક રિસાયા તો મેં આગેવાનો કહ્યું કે શું કરીશું?, તો આગેવાનોએ કહ્યું કે, લડી લેશુ.