મુન્નાભાઈ MBBS : રાજકોટ શહેર અને જિલ્લામાંથી એક દિવસમાં 4 બોગસ તબીબ પકડાયા!
રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 3 અને ગોંડલના જેતલસર ગામમાંથી 1 એમ કુલ 4 બોગસ ડોક્ટર મળી આવતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેર અને જિલ્લા પોલિસે છેલ્લા 8 દિવસમાં 8 બોગસ ડોક્ટરો પકડ્યા છે ત્યારે જાહેરમાં જ ડોક્ટરનાં પાટિયાં લગાવીને પ્રેક્ટિસ કરતા આવા બોગસ ડોક્ટરોને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અને સરકારના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઊભા થયા છે
રક્ષિત પંડ્યા/ રાજકોટઃ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 4 બોગસ તબીબ પકડાતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટની કુવાડવા પોલીસે બે બોગસ તબીબ ને ઝડપી પાડ્યા છે , એસઓજી પોલીસે એક બોગસ તબીબની ધરપકડ કરી છે, જ્યારે ગોંડલના જેતલસરમાં પણ એક બોગસ તબીબ પકડાયો છે. કુવાડવા પોલીસે બન્ને બોગસ તબીબ વિરુધ્ધ આઈપીસી કલમ ૪૧૯ તથા મેડીકલ પ્રેક્ટીસ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટ કુવાડવા પોલીસ સ્ટાફે બાતમીના આધારે આણંદપર અને નવાગામ ખાતેથી બે બોગસ તબીબ પકડી પાડ્યા હતા. વિજય જોટંગીયા અને લાલજી ચૌહાણ નામના બે બોગસ તબીબ કોઈ પણ જાતની ડીગ્રી વગર આ ગામમાં સરાજાહેર તબીબી પ્રેક્ટીસ કરતા હતા. પોલીસે બંને મુન્નાભાઈ એમબીબીએસની કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં બન્ને બોગસ તબીબ આશરે છેલ્લા દોઢ વર્ષથી મેડીકલ પ્રેક્ટીસ કરતા હોવાનું સામે આવ્યું છે.
જયંતી ભાનુશાળી હત્યાઃ છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી મુખ્ય કાવતરાખોર
અન્ય એક બોગસ તબીબ રાજકોટના મનહરપુર ગામ નજીકથી પકડાયો છે. રાજકોટ એસઓજીની તપાસમાં પ્રકાશ વ્યાસ નામનો આ બોગસ તબીબ કોઈ પણ જાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી લોકોને પ્રાથમિક સારવાર આપતો હતો. તેની પાસેથી એલોપથી દવાનો જથ્થો પણ પકડાયો છે. પોલીસે રેડ દરમિયાન અલગ અલગ દવાઓનો જથ્થો, ઈજેક્શન, તેમજ રોકડ મળી કુલ ૫૩૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી પ્રકાશ વ્યાસ ૧૦ વર્ષ પહેલાં મેડીકલ સ્ટોર ધરાવતો હતો અને છેલ્લા ૧૦ વર્ષથી મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા જેતલસર ગામેથી પણ વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો. વિમલ રામાણી નામનો શખ્સ ડિગ્રીવગર પ્રેક્ટિસ કરતો હતો. પોલિસે તેની પાસેથી વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો પણ પકડ્યો છે. આમ, ડો.શ્યામ રાજાણી પકડાયા બાદ રાજકોટ શહેર અને જિલ્લામાંથી રાજાણી સહિત 8 મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા છે.
વિચિત્ર ઘટનાઃ વડોદરામાં પત્નીની નિર્દયી હત્યા કર્યા બાદ પતિની મોતની છલાંગ
મનપાની આરોગ્ય શાખા સામે ઉઠ્યા સવાલ
રાજકોટ પોલીસ દ્વારા શહેરમાંથી છેલ્લા 8 દિવસમાં 8 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે રાજકોટ મનપાની આરોગ્ય શાખાની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. શું આરોગ્ય અધિકારીની રહેમ નજર હેઠળ આ બોગસ તબીબો પ્રેક્ટીસ કરી રહ્યા છે? શું આરોગ્ય વિભાગની બોગસ તબીબ સાથે સાંઠગાંઠ છે? શું આરોગ્ય વિભાગને માત્ર હોટેલ રેસ્ટોરન્ટ પર દરોડામાં રસ છે? હજુ રાજકોટ શહેર અને જિલ્લામાં આવા કેટલા બોગસ ડોક્ટર લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હશે?