અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા છે. થરાદના વામી ગામ નજીક થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક પરિવારના 4 સભ્યોએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકાએ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બે કલાકની શોધખોળ બાદ થરાદના પીલુડા ગામના પરિવારના 2 સભ્યોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે હજુ બે લોકોની શોધખોળ ચાલી રહી છે. આ કેનાલમાં વારંવાર આત્મહત્યાના બનાવો વધતા જતા હોવાથી થરાદની મુખ્ય કેનાલ મોતની કેનાલ બનતી જાય છે. એક જ પરિવારના ચાર લોકો કેનાલમાં કૂદી પડતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર થરાદના વામી ગામ નજીક થરાદની મુખ્ય નર્મદાની કેનાલ પસાર થાય છે. જેમાં થરાદના પીલુડા ગામના એક જ પરિવારના ચાર સભ્યો કૂદકો લગાવ્યો હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. બે કલાકની શોધખોળ બાદ માતા-પુત્રીની લાશ મળી આવી હતી. જ્યારે હજુ પણ બે લોકોની શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને કરતા ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે હજુ કશું જ જાણવા મળ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube