વલસાડ: ઉમરગામ સંજાણ માર્ગ ખાતે મંગળવારે મોડી સાંજે રીક્ષા અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ઘવાયેલા 4 પૈકી એકનું સારવાર માટે લઇ જતી વેળા મોત થયું હતું. મળતી માહિતી મુજબ રાત્રીના લગભગ આંઠ વાગ્યાની આસપાસ રિક્ષા ચાલક મુસાફરો લઇને જઇ રહ્યો હતો તે દરમિયાન જ ડમ્પર ટ્રકે જોરદાર ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાન થઈ જતા રિક્ષામાં સવાર સાત જેટલા મુસાફરો પૈકી ઉમરગામ ટાઉન કોસ્ટલ હાઇવે ખાતે રહેતા હંષાબેન ધનસુખભાઈ મિસ્ત્રી ઉ.વ. 52 અને ગૌરવ ઉર્ફે લાલુ મિસ્ત્રી ઉ.વ. 28 અને ઉમરગામ વાણિયાવાડ ખાતે રહેતી દૃતિબેન આર્ય ઉ.વ.38 મહિલાનું ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું.


ડમ્પર ચાલક અકસ્માત થયા બાદ થયો ફરાર
રીક્ષા ચાલક સહિત ચાર ઇજાગ્રસ્તને સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.સારવાર મળે તે પહેલા અન્ય એક વધુ વ્યક્તિનું પણ મોત થયું હોવાની વિગતો મળી રહી છે.અકશ્માત બાદ ડમ્પર ચાલક મોકો જોઈને નજીકમાં આવેલી જીઆઇડીસી તરફ ભાગવાનું શરૂ કરતાં પોલીસનું ધ્યાન પડતાની સાથેજ પોલીસ પાછળ દોડી હતી. પોલીસ અને લોકોના ટોળાથી ગભરાઈ ગયેલ ડમ્પર ચાલક અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હતો, ઉમરગામ પોલીસે ઘટનાનો ગુનો નોધી ટ્રક ચાલકને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.