વેરાવાળમાં દલિત યુવાનને જીવતો સળગાવવાનો 4 શખ્સોનો પ્રયાસ
તુ દેવાયતને ઓળખે છે તેમ કહીને દલિત યુવાનને આંતરિને તેનાં પર પેટ્રોલ છાંટીને હૂમલો કરવામાં આવ્યો
રાજકોટ : ગત્ત રાત્રે વેરાવળનાં આંબલિયાળા ગામે રહેતો દલિત યુવાન પોતાની ગાડી લઇને પરત ફરી રહ્યો હતો. તે સમયે વેરાવળ-સોમનાથ રોડ પર આહિર સમાજની વાડી પાસે ચાર શખ્સોએ પેટ્રોલ છાંટીને કાર સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાં કારણે ગભરાયેલ યુવાન કારમાંથી ઉતરીને ભાગ્યો હતો. જો કે ભાગી રહેલા યુવાન પર પેટ્રોલ બોંબ ફેકીને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે તેણે બુમાબુમ કરતા લોકો દોડી આવતા ચારેય યુવાનો ભાગી છુટ્યા હતા.
સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક 108 દ્વારા તેને પહેલા વેરાવળ અને ત્યાર બાદ વધારે સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આંબલીયાળા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો ભરત ઉકાભાઇ ગોહીલ ગત્ત રાત્રે સવા નવ વાગ્યે સોમનાથ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ચાર અજાણ્યા શખ્સો દ્વારા તેની ગાડી પર પેટ્રોલ છાંટીને ગાડી સળગાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ડાયરીમાં એન્ટ્રી કરી લીધી છે. જો કે હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. યુવાન પર હૂમલો કરનારા લોકો કોણ છે અને હૂમલો શા માટે કરવામાં આવ્યો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ હાલ ભરતનીં નિવેદન નોંધીને આગળ વધારે તપાસ આદરી છે. ઉપરાંત સ્થાનિકોની પણ પુછપરછ કરી રહી છે.