લગ્નમાં ગિફ્ટનો ટ્રેન્ડ બદલાયો, મહેમાનો લીંબુ બાદ હવે તેલનો ડબ્બો આપવા લાગ્યા
Lemon Price Hike: જીવન જરૂરિયાતી વસ્તુઓ મોંઘી બની રહી છે. પેટ્રોલ-ડીઝલ, લીંબું, ખાદ્ય તેલ, શાકભાજી, દાળ વગેરે વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. જેથી લોકો પણ લગ્નમાં આવી વસ્તુઓની ગિફ્ટ આપી રહ્યાં છે
ગૌરવ દવે/રાજકોટ :વધતી જતી મોંઘવારીમાં લગ્નનો ટ્રેન્ડ બદલાયો છે. એક તરફ લોકો ઘરના લોકોની હાજરીમાં ઓછા મહેમાનોમાં લગ્ન કરી રહ્યાં છે. ભોજનમાં પણ બિનજરૂરી ખર્ચો ઓછો કરી રહ્યાં છે. ત્યાં વધતી જતી મોંઘવારી વચ્ચે લગ્નમાં ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ પણ બદલાયો છે. લોકો હવે કન્યા-વરને જીવનજરૂરિયાતી વસ્તુઓ આપવા લાગ્યા છે. તેમાં પણ રાજકોટમાં લગ્નમા લીંબુ આપવાનો અનોખો ટ્રેન્ડ ચાલી નીકળ્યો છે. તેને પગલે આજે અન્ય એક કપલને લગ્નમાં મિત્રોએ લીંબુ, પેટ્રોલ, સીંગતેલનો ડબ્બો ભેટમાં આપ્યો હતો. આમ, આ લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
હાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે, જીવન જરૂરિયાતી વસ્તુઓ મોંઘી બની રહી છે. પેટ્રોલ-ડીઝલ, લીંબું, ખાદ્ય તેલ, શાકભાજી, દાળ વગેરે વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. જેથી લોકો પણ લગ્નમાં આવી વસ્તુઓની ગિફ્ટ આપી રહ્યાં છે. રાજકોટમાં એક લગ્નમાં અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો. લગ્નમાં મોંઘવારીના પ્રતિક એવા લીંબુ, પેટ્રોલ, સીંગતેલનો ડબ્બો કન્યા અને વરને ભેટમાં આપવામાં આવ્યો હતો. રાજકોટમા વાળા પરિવારના દીકરાના લગ્ન લેવાયા હતા. જીતેન વાળા અને રક્ષા લાડવાને લગ્નમાં મહેમાનો અને મિત્રોએ મોંઘવારીને લઈને અનોખી ભેટ આપી છે. આ ગિફ્ટ જોઈને મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પણ વાંચો : આ એક્ટ્રેસને થયું કેન્સર, સ્તનનો ફોટો મૂકીને લખી ખતરનાક બોલ્ડ પોસ્ટ
આ લગ્નમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પેનથી આવેલા મહેમાનોએ લગ્ન માણ્યા હતા. તથા ગિફ્ટ આપવાની પ્રથા જોઈને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ધોરાજીમાં પીઠી ચોળીમાં લીંબુ મળ્યા
ધોરાજીના હીરપરા વિસ્તારમાં મોણપરા પરિવારના દીકરાના લગ્નપ્રસંગમાં મોંઘવારી જોવા મળી હતી. પીઠી ચોળવાની વિધિમાં રૂપિયા કે દાગીનાની જગ્યાએ મિત્રોએ મીઠાઈનાં બોક્સમાં મોંઘેરાં લીંબુની ગિફ્ટ આપી હતી. લીંબુના ભાવ એટલા ઊંચકાયા છે કે લીંબુ કોઈને મોંઘી ભેટ તરીકે પણ આપી શકાય. લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે, તે જોતા તે લક્ઝુરિયસ વસ્તુઓમાં આવી ગયા છે. જેથી લગ્નમાં પણ લોકો લીંબુની ગિફ્ટ આપી રહ્યાં છે.