• જૂના મકાનમા 10 થી 12 મિત્રો સાથે ગોપાલે પાર્ટીનું આયોજન કર્યું હતું

  • પાનવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો


નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરમાં યુવાનના જન્મદિવસે જ ખૂની ખેલ ખેલાયો હતો, જે યુવાનનો જન્મદિવસ હતો તેની જ હત્યા કરી દેવામાં આવી હતી. જન્મદિવસ મનાવવા આવેલ મિત્રએ જ મિત્રનું ખૂન કરી નાખ્યું હતું. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારના ગોપાલ ઉર્ફ ડોંગરની તેના જન્મદિવસે તેના જ મિત્ર વિશાલ ગોહેલએ હત્યા કરી દેતા ચકચાર મચી હતી. મિત્રો સાથે પાર્ટી ચાલુ હતી તે દરમ્યાન વિશાલે કોઈ વાતે ઉશ્કેરાઈ ગોપાલની હત્યા કરી હતી. ગંગાજળિયા પોલીસે હત્યારા મિત્રને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જન્મદિવસ બન્યો અંતિમ દિવસ


શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા ગોપાલ ઉર્ફ ડોંગર જીતુભાઈ રાઠોડનો જન્મ દિવસ હતો, રવિવારે શહેરની મેઈન બજાર બંધ હોવાથી ખારર્ગેટ નજીક ધોબી ગલીમાં આવેલ ચકુ મહેતાની શેરીમાં આવેલા પોતાના જૂના મકાનમા 10 થી 12 મિત્રો સાથે ગોપાલે પાર્ટીનું આયોજન કર્યું હતું. તમામ મિત્રો પાર્ટી કરી રહ્યા હતા તે દરમ્યાન શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ નામના મિત્ર સાથે કોઈ વાતે ઝઘડો થયો હતો, જે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ગોપાલ ઉર્ફે ડોંગર ઉપર હુમલો કરી દીધો હતો, અને કોઈ કંઈ સમજે એ પહેલા જ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા ગોપાલનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ.


છરીના 33 ઘા મારી નિપજાવ્યું મોત


ગોપાલ ઉર્ફે ડોંગરેએ તેનો જન્મદિવસ ઉજવવા તેના 8 થી 10 મિત્રોને શહેરની મેઈન બજારમાં આવેલા પોતાના બંધ રહેતા જૂના મકાનમાં બોલાવ્યા હતા, જ્યાં તમામ મિત્રોએ ગોપાલ ડોંગરનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. પાર્ટી બાદ કેટલાક મિત્રો પરત ઘરે જતા રહ્યા હતા. જ્યારે કેટલાક મિત્રોએ ગોપાલ સાથે પાર્ટી ચાલુ રાખી હતી, તે દરમ્યાન વિશાલ ગોહેલ અને ગોપાલ વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હતો, અને એ ઝઘડાને લઈને ઉશ્કેરાયેલા વિશાલે ગોપાલ પર છરી વડે હુમલો કરી દીધો હતો. વિશાલે ગોપાલના શરીર પર આડેધડ 33 જેટલા છરીના ઘા ઝીંકી દેતા ગોપાલ સ્થળ પર જ ઢળી પડ્યો હતો, અને હત્યા કર્યા બાદ વિશાલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એમ.એ.સૈયદ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યા મામલે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.


મૃતક અને આરોપી ખાસ મિત્રો હતા


શહેરના પ્રભુદાસ વિસ્તારમાં રહેતો ગોપાલ ઉર્ફ ડોંગર જીતુભાઈ રાઠોડ અને પાનવાડી વિસ્તારમાં રહેતો વિશાલ ઉર્ફ લાંબો મુળજીભાઈ ગોહેલ ખાસ મિત્રો હતા, અને બંને મિત્રો મોટા ભાગનો સમય સાથે જ વિતાવતા હતા, જેથી ગોપાલના જન્મદિવસે તેઓ મિત્રો સાથે મેઈન બહારમાં આવેલા ગોપાલના જૂના ઘરે પાર્ટી કરવા ભેગા થયા હતા તે દરમ્યાન વાતચીત દરમ્યાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જેના કારણે ઉશ્કેરાઈ ગયેલા વિશાલે ગોપાલ પર છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું, મૃત પામનાર પાલ રાઠોડની બહેન રંજનબેન જીતુભાઈ રાઠોડે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 302 મુજબ ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં હત્યારા મિત્ર વિશાલ ગોહેલને ઝડપી લીધો હતો.


મૃતક અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ


ગત તારીખ 27 જૂનના દિવસે સાંજના સમયે જન્મ દિવસની ઉજવણી સમયે હત્યાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર અને હત્યા કરનાર બંને યુવકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, શહેરના અન્ય પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. હાલ તો પોલીસે કાયદાની વિવિધ કલમો તળે હત્યા કરનાર વિશાલ ગોહેલને ઝડપી લીધી છે. તેમજ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


જન્મદિવસે કેક કાપી કે માણી દારૂની મહેફિલ


ગોપાલ ઉર્ફ ડોંગર અને તેના મિત્રોએ શહેરની મેઈન બજારમાં જૂના ઘરે પાર્ટી નું આયોજન કર્યું હતું તે સમયના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે ફોટાઓમાં મૃતક ગોપાલ ઉર્ફ ડોંગર વિદેશી દારૂની બોટલ સાથે દેખાઈ રહ્યો છે. જ્યારે સેલ્ફી લઈ રહેલો હત્યારો મિત્ર વિશાલ પણ ફોટામાં દેખાઈ રહ્યો છે. જ્યારે અન્ય ફોટામાં ગોપાલના હાથમાં છરી જોવા મળી રહી છે. તેમજ હત્યારો મિત્ર વિશાલ સેલ્ફી લઇ રહેલો જોવા મળી રહ્યો છે.