અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂ.100ની નવી નોટ છાપી છે. જાંબલી રંગની રૂ.100ની આ નવી નોટમાં આગળના ભાગે ગાંધીજીનો વોટરમાર્ક છે, જ્યારે પાછળના ભાગે ગુજરાત રાજ્યની પ્રસિદ્ધ રાણકી વાવની તસવીર મુકવામાં આવી છે. નવી નોટો હાલ સ્ટેટ બેંકની બ્રાંચમાં પહોચી ગઇ છે અને આગામી સપ્તાહે સામાન્ય લોકોનાં હાથમાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI દ્વારા લગભગ રૂ.800 કરોડની રૂ.100ની નવી ચલણી નોટ છાપવામાં આવી છે. આ નોટ માર્કેટમાં આવ્યા બાદ જૂની નોટ પણ ચલણમાં ચાલુ જ રહેશે. અહેવાલ અનુસાર RBIએ પોતાનાં કર્મીઓને રૂ.100ની નવી નોટ આપી હતી. હવે SBIની મુખ્ય શાખાઓમાં પહોંચાડ્યા બાદ દેશની અન્ય બેંકોમાં પહોચાડવાની પ્રક્રિયા હાથ ધરાશે.


જાંબલી રંગની આ નવી નોટમાં બે ડઝનથી પણ વધુ સિક્યોરિટી ફિચર સામેલ કરવામાં આવ્યા છે. નોટનાં પાછળના ભાગ પર યુનેસ્કોની વિશ્વ સ્મારક સૂચિમાં સામેલ ગુજરાતનાં પાટણ સ્થિત રાણીની વાવની ઝલક જોવા મળશે.


ઉલ્લેખનીય છે કે, નવેમ્બર, 2016માં કેન્દ્ર સરકાર દ્વારા રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂ.1000ની ચલણી નોટ બંધ કરીને રૂ.2000ની નવી ચલણી નોટ અને રૂ.500ની નવા રંગરૂપ સાથેની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદથી આરબીઆઈ તમામ ચલણી નોટનાં રંગ, સિક્યોરિટી ફીચર્સ અને સાઈઝમાં ફેરફાર કરીને નવી નોટો બહાર પાડી રહી છે. એ જ શ્રેણીમાં હવે રૂ.100ની પણ નવી ચલણી નોટ બહાર પાડવામાં આવી છે.