Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠક અને વિધાનસભાની 5 બેઠકની પેટાચૂંટણી માટે 7મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટેના પ્રચારનો અંતિમ દિવસ છે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે લોકો સુધી પહોંચવા માટે ભાજપ નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. સાંજે પાંચ વાગતાની સાથે જ પ્રચાર પડઘામ શાંત થઈ ગયાં છે, તેની સાથે જ હવે નેતાઓ ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે. જોકે, જાહેરસભા, રેલીઓ કે ચૌપાલ જેવા કાર્યક્રમો નહીં કરી શકે. સાંજે 6 કલાક બાદ શહેરમાં લાગેલા ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. આ સાથે રેલી અને જનસભા ઉપર પણ પ્રતિબંધ લગાડી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરાબર 50 દિવસના ચૂંટણી પ્રચાર પછી ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યો છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો પર મંગળવારે સાતમી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. તો મતદાન આડે હવે માત્ર એક દિવસ બાકી છે એના પહેલાં ચૂંટણી પંચની આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. હવે કોઈ પણ નેતા સીધી રીતે જાહેર સભા કે રેલી કરીને ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. હવે શરૂ થશે ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર. મંગળવારે લોકસભાની 25 ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. તો વર્ષ 2024ના મહાસંગ્રામ માટે હવે મતદાનની ઘડીઓ નજીક આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં આ વખતે લડવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ઉમેદવાર ઊભા રાખ્યા છે. તો આ વખતનો મુકાબલો રોમાંચક બની ચૂક્યો છે.


સુરતમાં એક સીટ પર ભાજપ પહેલેથી બિનહરીફ વિજેતા બની ચૂકી છે. અને હવે બાકીની 25 બેઠકો પર 7મી મે મંગળવારે મતદાન થશે. રાજ્યમાં આ વખતે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. ખાલી અમદાવાદમાં 60 લાખથી વધુ મતદારો છે. અમદાવાદમાં કુલ 60,39,143 મતદારો છે. જેમાં મહિલા મતદાર 29,05,622 છે. કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કંટ્રોલરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


રાજ્યની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તથા ૦૫ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે 07/05/2024ના રોજ મતદાન યોજવામાં આવશે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાનના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. 


મતદાન સમયે કયા પુરાવા સાથે રાખવા
તા.૦૭,મે ના રોજ મતદાનના દિવસે સવારના ૦૭.૦૦ કલાક થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે. ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે. તે મતદાન કરવા માટે પુરાવા તરીકે માન્ય રહેશે નહિ. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.


રાજ્યમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારો મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે. બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ  (21354 ચો.કિ.મી.) જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ (107 ચો.કિ.મી.) છે. રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછાં 17,23,353 જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે.


રજા મંજુર કરવા જાહેરનામું:
7મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન કરવા સરકારી કચેરીઓમાં રજા જાહેર કરેલ છે તથા દુકાનો, સંસ્થાઓ અને કારખાનાઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિઓની રજા મંજુર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.


નોંધનીય છે કે, ગુજરાતના લગભગ તમામ મોટા શહેરોમાં આજે ભાજપે બાઈક રેલી કાઢી અને જોરશોરથી પ્રચાર કર્યો હતો. જેમાં ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખેડાના નડીયાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. તો નવસારી બેઠક પરથી લડી રહેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતના અનેક વિસ્તારોમાં ફરીને પ્રચંડ પ્રચાર કર્યો હતો, તો આ તરફ સુરતના મજૂરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં ઉતર્યા અને વિશાળ બાઈક રેલી કાઢીને પ્રચાર કરતા જોવા મળ્યાં હતા. તો રાજકોટ બેઠક પરથી લડી રહેલા પરશોત્તમ રૂપાલાએ પણ ભવ્ય બાઈક રેલી કાઢી હતી. જેમાં ભાજપના મોટા મોટા નેતાઓ જોડાયા અને પ્રચારના અંતિમ દિવસે પ્રચંડ પ્રચાર કર્યો હતો.