અકસ્માતોનું નવું સરનામું બન્યો ગુજરાતનો આ બ્રિજ; 4 વર્ષમાં જ બેકાર બન્યો, દેખાયા સળિયા!
ગઢડા શહેરમાં અનેક રોડ રસ્તા ખખડી ગયેલી સ્થિતિમાં છે. રોડ પર ખાડા જ ખાડા છે. ત્યાં ઘેલો નદી પર બનેલો આ બ્રિજ પણ જર્જરિત થઈ ગયો છે અને તે પણ માત્ર 4 વર્ષમાં જ બ્રિજમાંથી સળિયા દેખાઈ રહ્યા છે.
ઝી બ્યુરો/બોટાદ: ગુજરાતમાં વિકાસ તો ઘણો થાય છે, પરંતુ ટકાઉ વિકાસ નથી થતો...કારણ કે વિકાસના જે કામ થાય છે તે થોડા સમયમાં જ જર્જરિત થઈ જાય છે અને સુવિધા માટેનું કામ દુવિધા ઉભી કરે છે...વાત બોટાદ જિલ્લાની કરીએ...જ્યાં ગઢડા શહેરમાં ઘેલો નદી પર એક મોટા પુલનું નિર્માણ માત્ર ચાર વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ બ્રિજ ખખડી ગયો છે અને તેમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે.
- 4 વર્ષમાં જ નવો નક્કર બ્રિજ બન્યો બેકાર!
- ઘેલો નદી પર બનેલા બ્રિજના દેખાયા સળિયા
- સુવિધાનો બ્રિજ હવે બન્યો દુવિધાનો બ્રિજ
- અકસ્માતોનું નવું સરનામું બન્યો છે બ્રિજ
સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારા દેશભરના લોકો દર્શન માટે આવે છે. સમગ્ર દેશ માટે આસ્થાનું કેન્દ્ર કહેવાતું આ શહેર વિકાસમાં ઘણું પાછળ રહી ગયું છે. જે વિકાસ થાય છે તે પણ બિનટકાઉ અને કામ વગરનો...હા, આ શબ્દો અમે એટલા માટે કહી રહ્યા છે કે ગઢડા શહેરમાં અનેક રોડ રસ્તા ખખડી ગયેલી સ્થિતિમાં છે. રોડ પર ખાડા જ ખાડા છે. ત્યાં ઘેલો નદી પર બનેલો આ બ્રિજ પણ જર્જરિત થઈ ગયો છે અને તે પણ માત્ર 4 વર્ષમાં જ..બ્રિજમાંથી સળિયા દેખાઈ રહ્યા છે, જ્યાં નજર કરીએ ત્યાં ખાડા પડેલા છે. બ્રિજ પર કોઈ વાહન ચડે એટલે જાણે બ્રેકડાન્સ કરે છે..સામાન્ય સ્પીડમાં પણ વાહન બ્રિજ પરથી પસાર કરવું એટલે અકસ્માતને ખુલ્લુ આમંત્રણ સમાન છે. વાહનચાલકોની કમરતોડનારા આ બ્રિજથી સ્થાનિક લોકોની સાથે ગઢડામાં દર્શન માટે આવતા યાત્રિકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
- ગઢડાનો બ્રિજ 4 વર્ષમાં બન્યો બિસ્માર
- 4 વર્ષમાં જ બ્રિજમાં પડી ગયા મોટા ખાડા
- જર્જરિત બ્રિજમાં દેખાવા લાગ્યા સળિયા
- વાહનચાલકો અને રાહદારીઓ હેરાન
- અકસ્માતોનું નવું સરનામું બન્યો બ્રિજ
ગઢડા થઈને જ અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિતના મોટા શહેરમાં જોઈ શકાય છે. ત્યારે ગઢડના પ્રવેશદ્વાર પર જ બનેલો આ બ્રિજ ખખડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત અકસ્માતોનો ભય રહે છે અને ભૂતકાળમાં અનેક અકસ્માતો પણ થયા છે. અનેક વખત આ બ્રિજની સ્થિતિ સુધારવા માટે રજૂઆતો પણ થઈ છે. પરંતુ તંત્ર કે જનપ્રતિનિધિ સાંભળવા માટે તૈયાર જ ન હોય તેમ લાગી રહ્યું છે.
4 વર્ષમાં જ આવી સ્થિતિ થતાં લાખોના આ બ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. આટલો મોટો અને અધધ કહી શકાય તેવો બ્રિજ જો 4 વર્ષ પણ ન ટકી શકે તો પછી તેવા વિકાસનું શું કામ? હવે એ જોવાનું રહ્યું કે કટકી કરીને ખાઈ ગયેલા અધિકારીઓ ક્યારે બ્રિજનું સમારકામ કરે છે?