ગઢડા ગોપીનાથજી મંદિરમાં અકલ્પનીય ઘટના ઘટી હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ
- ગોપીનાથજી દેવ મંદિરમાં ગઈકાલે 12 જુલાઈને અષાઢી બીજના દિવસે મંદિરનો મુખ્ય દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો
- શિખર પાસેની બારી તોડી અંદર પ્રવેશ કરી સમય કરતાં ૨૦ મિનિટ આરતી મોડી થઈ હતી
રઘુવીર મકવાણા/બોટાદ :ગઢડાનુ ગોપીનાથજી મંદિર હંમેશા કોઈને કોઈ વિવાદમાં આવતું હોય છે, ત્યારે વધુ એકવાર મંદિર વિવાદમાં આવ્યું છે. અષાઢી બીજના દિવસે વહેલી સવારે ગોપીનાથજી મંદિરના દરવાજા ન ખૂલતા મંદિરના શિખર પર જઈને બારી તોડી દરવાજા ખોલાયા હતા અને ભગવાને ચમત્કાર કર્યો તેવુ સોશિયલ મીડિયામાં ફોટા અને પોસ્ટ વાઈરલ થતા હરિભકતો પણ મૂંઝવણમાં મૂકાયા છે. જ્યારે વહીવટ કરનારની બેદરકારી હોવાના આક્ષેપ આચાર્ય પક્ષે કર્યો હતો. તો સત્તા વિમુખ આચાર્ય પક્ષના સંતો દ્વારા મંદિરને બદનામ કરવામા આવી રહ્યાનુ મંદિરના ચેરમેને જણાવ્યુ હતું.
આ પણ વાંચો : ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે આજની લેટેસ્ટ પ્રાઈઝ
આરતી સમયે દરવાજો ન ખૂલતા બારી તોડાઈ
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ વિશ્વ વિખ્યાત ગોપીનાથજી દેવ મંદિરમાં ગઈકાલે 12 જુલાઈને અષાઢી બીજના દિવસે મંદિરનો મુખ્ય દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો અને વહેલી સવારે મંગળા આરતી માટે દોડધામ મચી ગઈ હતી. જેથી શિખર પાસેની બારી તોડી અંદર પ્રવેશ કરી સમય કરતાં ૨૦ મિનિટ આરતી મોડી થઈ હતી. જે ભગવાને ચમત્કાર કર્યાનુ સોશિયલ મીડિયામાં ફોટા અને પોસ્ટ વાયરલ થઈ હતી. જેથી હરિભકતોમાં ચર્ચાનો વિષય બની હતી. વાયુવેગે ફેલાયેલ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામા ગોપીનાથજી મંદિરના વહીવટકર્તાઓની ખોટી નિતીરિતીના કારણે ભગવાને નિજ દ્વાર બંધ કરી દઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ખોટા લોકોને સાવધાન થવા કુદરતી ચેતવણી પાઠવી હોવાનો મેસેજ અને ફોટા સોશિયલ મીડિયામાં ફરી રહ્યાં છે.
આ પણ વાંચો : કૂવામાં નાંખેલો રોટલો જે દિશામાં જાય તેવો વરસાદ પડે, ગુજરાતના નાનકડા ગામની અનોખી પરંપરા
મંદિરને બદનામ કરવામાં આવી રહ્યુ છે
આ વિશે ગોપીનાથજી મંદિરના ચેરમેન અને દેવપક્ષના હરિજીવનસ્વામીએ જણાવ્યું હતું કે, દરવાજામાં જૂની પધ્ધતિ પ્રમાણે ઓટોમેટિક આંગળીયો ફીટ કરેલો છે. જે અમુક પધ્ધતિથી દરવાજો લોક કરવામાં ના આવે તો આપોઆપ અંદરથી લોક થઈ જાય તેવી સિસ્ટમ છે. આ માટે કામ કરનારની ભૂલના કારણે દરવાજો લોક થઈ ગયો હતો. વહેલી સવારે એક સેવકને શિખર પાસેની બારી તોડી પ્રવેશ કરાવી દરવાજો ખોલી મંગળા આરતી કરવામાં આવી હતી. પરંતુ સત્તા વિમુખ આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભદાસજી વગેરે સંતો મંદિરને બદનામ કરવા ખોટી વાતો ફેલાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
તો બીજી તરફ આચાર્ય પક્ષના અને ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામવલ્લભદાસજીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મંદિરનો વહીવટ કરતા લોકોની બેદરકારી અને રામ ભરોસે ભાડાના માણસો થકી ચાલતી પૂજા વગેરે બાબતોનું આ પરિણામ છે. પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બીજા ઉપર ભૂલ થોકી બેસાડી ખોટા આક્ષેપો કરવાથી ખોટાનું સાચું સાબિત ના થઈ શકે. પરંતુ ભગવાને જાતે નિર્માણ કરેલા આ મંદિરની અદભુત બારી તોડવી પડે એવી પરિસ્થિતિ ગંભીર વિચારણીય છે. તેમજ મંદિરમાં અક્ષર ઓરડી, દરબાર ગઢ વગેરે જગ્યાએ નવું કામ કરી મૂળ ઓરિજનલ બાંધકામનું મહત્વ ઘટાડવાનું કામ પણ બંધ કરવું જોઈએ. આમ મંદિર બાબતે વધુ એક વાર દરવાજો અંદરથી લોક થઈ જવાની ઘટનાથી આક્ષેપ પ્રતિ આક્ષેપના ઘેરા પ્રત્યાઘાતો પડવા લાગ્યા છે.