ગાંધીનગર નજીક ડુપ્લીકેટ માવો બનાવતી 3 ફેક્ટરીઓ ઝડપાઈ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી
ગાંધીનગર નજીક આવેલા વલાદ ગામમાં ચાલતી સાંઈ પ્રોડક્ટ્સ તથા જય માં કૈયલાદેવી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ નામની બે ફેક્ટરી, તથા ફિરોજપુર ગામની માં રહાનવાલી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ કંપનીમાં રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન 4106 કિગ્રા બરફી અને 547 કિગ્રા સફેદ પાવડરનો જથ્થો જપ્ત કરાયો
હીતલ પારેખ/ગાંધીનગરઃ ગાંધીનગરની નજીકમાં આવેલા બે ગામડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા આજે રેડ પાડવામાં આવી હતી. જેમાં ડુપ્લીટેક માવો બનાવતી વલાદ ગામમાંથી બે અને જેઠીપુરા ગામમાંથી એક ફેક્ટરી ઝડપાઈ હતી. આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને અનુલક્ષીને મોટા પ્રમાણમાં માવો બનાવાતો હતો અને અમદાવાદમાં સપ્લાય કરવામાં આવતો હોવાનિ પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની રેડ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં હલકી ગુણવત્તા ધરાવતા પાવડરમાંથી માવો બનાવવામાં આવતો હતો. અહીંથી પકડાયેલો પાઉડર પ્રાથમિક દૃષ્ટિએ ટેલકમ પાઉડર હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા નમૂના એક્ઠા કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ગુજરાતમાં અહી બીરાજે છે માનતાવાળા ગણેશ, જે કરે છે ભક્તોની મનોકામના પૂર્ણ
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એસ.જી. કોશિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, "વિભાગને મળેલી માહિતીના આધારે ગાંધીનગર નજીક આવેલા વલાદ ગામમાં ચાલતી સાંઈ પ્રોડક્ટ્સ તથા જય માં કૈયલાદેવી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ નામની બે ફેક્ટરી, તથા ફિરોજપુર ગામની માં રહાનવાલી મિલ્ક ફુડ પ્રોડક્ટ્સ કંપનીમાં રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન 4106 કિગ્રા બરફી અને 547 કિગ્રા સફેદ પાવડરનો જથ્થો જપ્ત કરાયો છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, "રેડ દરમિયાન ભેળસેળયુક્ત માવો બનાવાતો હોવાનું જાણવા મળતાં ત્રણેય ફેક્ટરીને સીલ મારવામાં આવ્યું છે. વલાદ અને ફીરોજપુર ખાતે આવેલી ફેક્ટરીનું વેચાણ બંધ કરવા નોટિસ આપવામાં આવી છે. સાથે જ જપ્ત કરેલી સામગ્રી પૈકી 5 સેમ્પલ વડોદરા ખાતેની ફુડ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ફેક્ટરીના માલિકો દ્વારા છેલ્લા 2-3 મહિના દરમિયાન જ લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. વિભાગ દ્વારા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
ઉલ્લેખનીય છે કે, તહેવારો દરમિયાન મીઠાઈની માગ ખુબ જ રહેતી હોય છે. આથી, આવા તકસાધુઓ નકલી માવો બનાવીને બજારમાં ઠલવી દેતા હોય છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોય છે.
જુઓ LIVE TV...